ભાવનગર, તા.૧૫
ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં સ્કૂલ બસમાંથી ઊતરતી વેળાએ માસૂમ બાળા બસ નીચે આવી જતા બાળાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર બાળાના પરિવારજનો દ્વારા બસના ચાલક સામે માનવવધનો ગુનો તેમજ શાળાના સંચાલકો સામે પણ ગુનો નોંધવાની માગ કરી મૃતદેહ નહીં સ્વીકારવા નિર્ણય કરાતા આજે ભાવનગરની સરકારી સર.ટી. હોસ્પિટલ ખાતે પરિવારજનો ધરણા પર બેસી ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો નનૈયો ભણી દેતા ડી-ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવથી ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરમાં ફૂલસરમાં રહેતા મુકેશ વાલજીભાઈ વાઢેરની સાત વર્ષીય પુત્રી દિયા શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ શાળાની બસ નં. જી.જે.૪.ઝેડ.૦૬૪રમાં બેસીને ઘરે આવી રહી હતી ત્યારે બસમાંથી ઊતરતી વેળા બસ નીચે આવી જતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઈ મૃતક બાળાના પરિવારજનોમાં ભારે રોષ છવાયો હતો અને જ્યાં સુધી બસના ચાલકની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, પોલીસે મધરાત્રિ બાદ ચાલકની ધરપકડ કરી લીધી હતી. દરમ્યાનમાં આજે સવારથી મૃતક બાળાના પરિવારજનોને સાથે રાખી તેમના સમાજના કેટલાક અગ્રણીઓએ સર.ટી. હોસ્પિટલ લઈ જઈ ઝડપાયેલા બસના ચાલક વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવા ઉપરાંત શાળા સંચાલકો સામે પણ ગુનો નોંધવાની માંગ કરી મૃતદેહ સ્વીકારવા નનૈયો ભણી દેતા ડી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ રાવલ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ સ્કૂલબસ નીચે કચડાયેલી માસૂમ બાળા ધોરણ-રમાં અભ્યાસ કરતી હતી. સ્કૂલ બસમાંથી ઊતરી ઘરે પહોંચવાને બદલે નાનકડી દયા ઈશ્વરના ઘરે પહોંચી ગઈ હતી. આ સ્કૂલબસમાં કોઈ ક્લીનર કે કંડક્ટર ન હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ ચાલકે દાખવેલી બેદરકારીથી માસૂમ બાળાએ જીવ ગુમાવ્યો છે. શ્રમજીવી એવા મુકેશ વાલજીભાઈ વાઢેરને સંતાનમાં માત્ર બે દીકરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક દયા મોટી જ્યારે અન્ય એક પુત્રી ફક્ત ૧૩ માસની હોવાનું જાણવા મળી રહ્યું છે.