(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૮
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સમર્થક અને મુસ્લિમ કાર્યકર્તાઓ અને આગેવાનો ભાજપમાં જોડાવા માટે કેમ ઉત્સાહ બતાવી રહ્યા છે ? વર્ષોથી ભાજપ સામે લડતા અને કોંગ્રેસના વફાદાર કાર્યકર્તાઓ અને આગેવાનો અચાનક કોંગ્રેસને શા માટે બાય-બાય કરી રહ્યા છે ? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહેલા અને જવાની તૈયારીમાં છે તેવા આગેવાનોએ જણાવ્યું કે કોંગ્રેસમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું કોઈ જ વેઈટેજ કે વજન નથી. કોંગ્રેસના દરેક સંમેલન હોય કે અગત્યની બેઠકો હોય ‘લઘુમતી’ઓને જરાય પ્રાધાન્ય આપવામાં આવતું નથી. એટલું જ નહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તો મુસ્લિમ સમાજના કોઈ પણ પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવામાં સાવ ઊણા ઉતર્યા છે. ભાજપના તૃષ્ટીકરણના મહેણા-ટોણાથી કોંગ્રેસ મોવડી મંડળે મુસ્લિમ સમાજ પ્રત્યેનો સોફ્ટ કોર્નર હવે ગળામાં પડ બની ગયાનું લાગી રહ્યું છે. મુસ્લિમ સમાજ માટે છેક ટોચથી લઈને તળિયા સુધી કોંગ્રેસે મુસ્લિમ સમાજ માટે ન બોલવામાં જ શાણપણ માન્યું છે..! રાષ્ટ્રીય કક્ષાએ પણ આ બનાવો સામે આવ્યા છે. જેમાં ‘ત્રણ તલાક’ના સુપ્રીમના ફેંસલાનો કોંગ્રેસે આવકાર આપીને હિન્દુ વોટબેંકને ખુશ થવાનો મેસેજ પૂરો પાડ્યો છે. કોંગ્રેસે બહુમતી હિન્દુઓને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે ભાજપ એકલી હિન્દુ સમાજની રખેવાળ નથી. કોંગ્રેસ પણ ભાજપ જેવી કાર્યશૈલી તરફ આગળ વધી રહી છે. મુસ્લિમ સમાજના એક હજાર ઉલેમાઓએ ત્રાસવાદ અને તેના સમર્થકોને વખોડી નાખ્યો. સારી વાત છે પરંતુ ત્રણ તલાકમાં સરકાર અને કોર્ટની દખલગીરી સામે કહેવાતા ઉલેમાઓ ચુપ કેમ છે ? આવા સવાલો મુસ્લિમ સમાજમાં પ્રવર્તે છે. ભાવનગર કોંગ્રેસના ભૂતપૂર્વ કોર્પોરેટર મહેબૂબ બલોચ, પાલિતાણાના આગેવાન હયાતખાન બલોચ જેવા વ્યક્તિઓની તો શરૂઆત છે. ભાવનગર શહેરમાં આગામી ૧રમી તારીખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની ભાવનગર ખાતેના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ખોજા તથા વ્હોરા સમાજના કેટલાક અગ્રણીઓને ભાજપની કેસરી ખેસ પહેરાવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. મુસ્લિમ સમાજ નેતાઓ અને સામાજિક આગેવાનોની કોંગ્રેસમાં સતત અવગણનાથી ત્રસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો ભાજપમાં તો જઈ રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં તેમની સ્થિતિ ભાજપમાં પણ દયનીય બની જવાની છે. કેમ કે ભાજપાને મુસ્લિમો તરફ હમદર્દી નથી. મગરના આસું માત્ર છે. કોંગ્રેસને નબળી પાડવા માટે ભાજપ મુસ્લિમ આગેવાનોના ખભે બંદૂક ફોડે છે.