ભાવનગર,તા.૩
ભાવનગરની અદાલતે જુદા જુદા બે કેસમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના અગ્રણીઓને સજા ફટકારતા રાજકીય માહોલ ગરમાયો છે.
આ બંને કેસની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને જેમના પત્ની હાલમાં ભાવનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સદસ્ય છે. તે ભરતભાઈ ધરમશીભાઈ કંટારિયા તેમજ તેમની સાથે દિનેશ પોલાભાઈ કંટારિયા, પ્રવિણભાઈ મકાભાઈ કંટારિયા, સુરેશ ધરમશીભાઈ કંટારિયા, બિજલ ઘેલાભાઈ સિંઘવ, (તમામ રહેવાસી : ભુતેશ્વર તા. ભાવનગર) નામના પૈકીના મુખ્ય આરોપી ભરતભાઈ કંટારિયા સાથે આરોપી મંગાભાઈ મોહનભાઈ ગોહિલ સરપંચ પદની ચૂંટણી લડેલા તે કારણથી મનદુઃખ થતા ગત તા.૧ર-૧૧-ર૦૧૪ના રોજ ફરિયાદી મંગાભાઈ ગોહિલ, ભૂતેશ્વર ગામે પાનની દુકાને પાનમાવો ખાવો ગયા હતા તે વેળાએ ઉકત આરોપી ભરતભાઈ કંટારિયા સહિતનાઓએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઈપ લાકડી, ધોકા અને જીવલેણ હથિયારો વડે હુમલો કરી ફરિયાદીને ઈજા પહોંચાડી હતી.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ૮મા એડિશનલ ચીફ જયુડિ. મેજિસ્ટ્રેટ જે.જે. ભટ્ટની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી ભરતભાઈ ધરમશી કંટરિયાને તકસીરવાન ઠરાવી ઈ.પી.કો. કલમ ૩રપ મુજબના ગુનામાં ત્રણ વર્ષની કેદની સજા અને રોકડા રૂા.૧૦ હજારનો દંડ જયારે અન્ય કલમો હેઠળ પણ જુદી જુદી સજા અને રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે આરોપી નં.ર પ્રવિણ મકાભાઈ કંટારિયાને પણ ત્રણ વર્ષની સજા અને રોકડ દંડ જયારે આરોપી નં.ર દિનેશ પોલાભાઈ કંટારિયાને ર વર્ષની સાદી કેદ તેમજ આરોપી નં.૪ સુરેશ ધરમશી કંટારિયાને ર વર્ષ અને આરોપી નં. પ બિજલ ઘેલાભાઈ સિંધવને પણ જુદી જુદી કલમો હેઠળ ર વર્ષની સજા અત્રેની અદાલતે ફટકારી હતી.
જયારે અન્ય કેસની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપીઓ હઠીસંગ ભવાનભાઈ મોરી, રમેશ મનુભાઈ જેતાણી, પરસોત્તમ ઉર્ફે દાશભાઈ જીવરાજભાઈ, દાનસંગભાઈ ભવાનભાઈ મોરી (બુધેલના પૂર્વ સરપંચ અને ભાજપના અગ્રણી) ભુપત ભવાનભાઈ મોરી, હરપાલ ઉર્ફે ગોકુળ જીવાભાઈ વાળા, જયદેવ દાનસંગભાઈ મોરી, દિગ્વિજયસિંહ દીપસંગ મોરી (ભાજપ આગેવાન), વિક્રમ ભાવસંગ મોરી, સુરેશ ગેમાભાઈ મોરી, કિશોર મનસુખલાલ રાજયગુરૂ, ભવાનીસિંહ ભૂપતસિંહ મોરી ( ભાજપ અગ્રણી), દિલીપ ભૂપતભાઈ મોરી સહિતના (રહે. તમામ બુધેલ) નામના ૧૩ શખ્સોએ ગત તા.૧૩-૯-૧૬ના રોજ ભાવનગર-મહુવા હાઈવે રોડ ઉપર આવેલ બુધેલ ગામે ગ્રામ પંચાયત ઓફિસ સામે ઉકત તમામ આોરપીઓએ ગેરકાયદેસર મંડળી રચી રોડ ઉપર ભાવનગર-મહુવા જાહેર રોડ ઉપર આવતા જતા વાહનોને રોકી ગેરકાયવેસર રીતે ત્રણથી ચાર કલાક સુધી અવરોધ ઉભા કરી આમ નાગરિકોને ત્રાસ થાય તેવું કૃત્ય કરી ગુનો કર્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ૮મા એડિશનલ ચીફ જયુડિ. મેજિસ્ટ્રેટ જે.જે. ભટ્ટની અદાલતમાં ચાલી જતા અદાલતે ઉપરોકત તમામ આરોપીઓ સામે ગુનો સાબિત માની ઈ.પી.કો. કલમ ૧૪૩ના ગુનામાં ૬ માસની સાદી કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ, ઈ.પી.કો. કલમ ર૯૦ના ગુનામાં દરેક આરોપીઓને રૂા.ર૦૦નો દંડ જયારે ઈ.પી.કો. કલમ ૩૪૧ના ગુનામાં તમામ આરોપીઓને ૧ માસની સાદી કેદની સજા અને રૂા.પ૦૦નો દંડ આમ દરેક આરોપીઓને ૧૦૭૦૦ લેખે ગણતા તમામ આરોપીઓને કુલ રૂા.૧,૩૯,૧૦૦/-નો અદાલતે દંડ ફટકાર્યો હતો. સજા પામેલા દાનસીંગ મોરીએ ભાજપમાંથી ભાવનગર ગ્રામ્યની અને ભરત કંટારિયાએ કોંગ્રેસમાંથી ભાવનગર ગ્રામ્યની ધારાસભાની ટિકિટો માગી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.