(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.ર૦
ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં મહુવામાં સૌથી વધુ ૬૪૬ મીમી જ્યારે સૌથી ઓછો ૧૧૦ મીમી વરસાદ ગારિયાધારમાં નોંધાયો છે. આમ અત્યાર સુધીમાં મહુવામાં જ માત્ર સરેરાશ સો ટકા ઉપરાંત વરસાદ પડી ચૂક્યો છે.
ચાલુ વર્ષ ચોમાસાના થયેલા મોડા પ્રારંભ બાદ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં મહુવા તાલુકો ૬૪૬ મીમી સાથે મોખરે રહ્યો છે. તો સૌથી ઓછો ગારિયાધાર પંથકમાં માત્ર ૧૧૦ મીમી જ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં મહુવા પંથકમાં સરેરાશ સો ટકા ઉપરાંત વરસાદ પડી ચૂક્યો છે તો જિલ્લાનો સરેરાશ કુલ વરસાદ પચાસ ટકા ઉપર થઈ ચૂક્યો છે.
જિલ્લામાં સિઝનના પ્રારંભથી અત્યાર સુધીમાં ભાવનગરમાં ૩૬પ મીમી, સિહોરમાં ર૬૧ મીમી, ઘોઘા રપપ મીમી, વલભીપુરમાં રર૬ મીમી, તળાજામાં ૪૬૯ મીમી, પાલિતાણામાં ર૯૩ મીમી, જેસરમાં ૪૪૦ મીમી અને ઉમરાળામાં ર૧૦ મીમી વરસાદ સાથે જિલ્લાનો સરેરાશ પ૩.૮૭ ટકા વરસાદ નોંધાયેા છે. હજુ ચોમાસાની સિઝન બાકી છે. જે દરમ્યાન સરેરાશ સો ટકા થાય તેવી શક્યતા છે.
ભાવનગર, બોટાદ, ગઢડા, કોટડાસાંગાણી, સાયલા, ઘોઘામાં ઝાપટા પડ્યા છે. ભાવનગર જિલ્લામાં ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે છુટોછવાયો વરસાદ પડ્યો છે. તળાજામાં એક ઈંચ, મહુવામાં અર્ધો ઈંચ નોંધાયો છે. જ્યારે આજે સવારે ભાવનગર શહેરમાં વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. ભાવનગર શહેર-જિલ્લામાં મેઘરાજાનું જોર નબળું પડ્યું છે. પરંતુ હજુ મેઘરાજાએ વિરામ લીધો નથી. જિલ્લાનાં તળાજામાં ર૪ મીમી, મહુવામાં ૧૦ મીમી, ભાવનગર શહેરમાં ર મીમી અને ઘોઘામાં ર મીમી વરસાદ નોંધાયો છે.