ભાવનગર,તા.૧૦
ભાવનગર શહેરના તળાજા રોડ, ભાંગલી ગેટ પાસે રહેતા અને ઈલેકટ્રીક ફીટિંગનું કામ કરતા સુરેશ હીરાભાઈ રાઠોડ (ઉ.વ.ર૬) નામનો ભરવાડ યુવાન ગઈકાલે સાંજના સુમારે શહેર ભાવનગર શહેરના દિપકચોક નજીકના આડોડિયાવાસમાં ભીખાભાઈના ઘરે ઈલેકટ્રીક કામ સબબ ગયો હતો તે વેળાએ ભીખાભાઈના ઘર પાસે ક.પરા વિસ્તારમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવલો હરગોવિંદ કોળી અને રામો કોળીએ ભીખાભાઈ ઉપર ઉશ્કેરાઈ જઈ બીભત્સ ગાળો આપતા અને લડાઈ ઝઘડો કરતા હતા. તે વેળાએ સુરેશ રાઠોડે વચ્ચે પડી ઝઘડો નહીં કરવાનું કહેતા અને બંને શખ્સોને સમજાવવા જતા ઉશ્કેરાયેલા ઉકત બંને શખ્સો ભાવેશ અને રામો કોળીએ એક સંપ કરી સુરેશને મારમારી ભાવેશે તેના કબજામાં રહેલી છરીના ઘા સુરેશના સાથળના ભાગે ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા સુરેશને ગત મોડી સાંજે સ્થાનિક સર.ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ જ્યાં આજરોજ ગુરૂવારે સુરેશ રાઠોડનું મોત નીપજતાં આ ઘટના હત્યામાં પરિણમી છે. આ બનાવની મૃતક સુરેશના ભાઈ વિપુલભાઈ જીણાભાઈ રાઠોડે સ્થાનિક ‘બી’ ડીવી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી ઉકત બંને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાની જાણ થતા ગત મોડી સાંજે ભાવનગરના સિટી ડીવાયએસપી મનિષ ઠાકર એ-ડિવિઝન બી-ડિવિઝન સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ વિસ્તારમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.