ભાવનગર, તા.ર૩
ભાવનગર શહેરમાં રાજ્યસભાના સાંસદની ચૂંટણીમાં કસોકસ માંડ જીત મેળવી તેની ઉજવણી કરવા આગામી તા.ર૬ ઓગસ્ટે એક કાર્યક્રમ જાહેર થયો છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાંથી કોંગ્રેસના કેટલાક કાર્યકરો ભાજપમાં જનાર હોવાનું જાણવા મળેલ છે. એક સપ્તાહ પહેલા ભાવનગર શહેરમાંથી એક માજી કોર્પોરેટર અને કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા હતા ત્યારે હાલમાં કોંગ્રેસના એક માજી ધારાસભ્ય અને દલિત નેતા આગામી સોમવારે ભાજપ પ્રદેશ પ્રમુખ અને મુ.મંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાવાના છે. તેવી જડબેસલાક ગોઠવણ થઈ ગયાનું જાણવા મળે છે. તેવી જ રીતે ગઈકાલે કોંગ્રેસના પ્રવક્તા રામદેવસિંહ ઝાલાએ કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભારે ચર્ચા જાગી છે. પરંતુ કોંગ્રેસના આગેવાનો કોંગ્રસમાંથી કચરો સાફ થઈ ગયાનું વાક્ય બોલે છે. કોંગ્રેસના પાયાના કાર્યકરો અને આગેવાનોને કોંગ્રેસ પક્ષે મનાવી લેવાના બદલે જવું હોય તો ભલે જાય… તેવું વલણ કોંગ્રેસને ભારે નુકસાન કરાવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.