ભાવનગર, તા.૨૦
ભાવનગર સહિત ગુજરાતની વિધાનસભાની પ્રથમ તબક્કાના ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલ તા.૨૧ને મંગળવાર છેલ્લો દિવસ છે. આજે ભાવનગરની પૂર્વ વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિભાવરીબેન દવેઅ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં આવતીકાલ મંગળવારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પોતાની ઉમેદવારી નોંધાવશેે તે જ રીતે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા અન્ય પક્ષોના ઉમેદવારો પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવશે. ભાવનગરની સાત વિધાનસભામાં ભાજપે જે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં ભાવનગર પશ્ચિમ જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વ વિભાવરીબેન દવે, ભાવનગર ગ્રામ્ય પરશોત્તમભાઈ સોલંકી, મહુવા આર.સી.મકવાણા, તળાજા ગૌતમભાઈ ચૌહાણ, પાલિતાણા ભીખાભાઈ બારૈયા, ગારિયાધાર કેશુભાઈ નાકરાણી, બોટાદ સૌરભભાઈ પટેલ, ગઢડા આત્મારામ પરમારના નામ જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસે ભાવનગર પશ્ચિમ દિલીપસિંહ ગોહિલ, ભાવનગર પૂર્વ નિતાબેન રાઠોડ, ભાવનગર ગ્રામ્ય કાંતિભાઈ રાઠોડ, મહુવા વિજયભાઈ બારૈયા, તળાજા કનુભાઈ બારૈયા, પાલિતાણા પ્રવિણભાઈ રાઠોડ, ગારિયાધાર પી.એમ.ખેની, બોટાદ મનહરભાઈ પટેલ, ગઢડા પ્રવિણભાઈ મારૂના નામો જાહેર કરવામાં આવ્યા છે. આજે સોમવારે ભાવનગરની પાલિતાણા બેઠક ઉપરથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડે પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે બાકી રહેતા કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલ તા.૨૧ને મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવશે તે જ રીતે ભાજપના ઉમેદવારો પણ મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. જ્યારે આમ ભાવનગરની સાત વિધાનસભા પૈકીની ફક્ત એક વિધાનસભા ભાવનગર પશ્ચિમમાં આમ આદમી પાર્ટી પ્રતાપભાઈ પટેલ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે તેમ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર વિધાનસભાની બેઠકો ઉપર ભાજપે ચાર ઉમેદવારોને રિપીટ કર્યા છે જ્યારે બે ઉમેદવારોની ટિકિટ કપાઈ છે. જેમાં તળાજામાંથી શિવાભાઈ ગોહિલને રિપીટ કર્યા નથી તે જ રીતે મહુવામાં ભાવનાબેન મકવાણાને રિપીટ નહીં કરતા તેમના સ્થાને તેમના પતિ આર.સી.મકવાણાની પસંદગી કરવામાં આવી છે જ્યારે ભાવનગરમાંથી છુટા પડેલા બોટાદના વર્તમાન ધારાસભ્ય ડૉ.માણિયાને ફરી ટિકિટ નહીં આપતા તેમના સ્થાને સૌરભભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસમાં પાલિતાણાના ધારાસભ્ય પ્રવિણ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે.
ભાવનગર કોંગ્રેસ કાર્યાલય ઉપર તોડફોડ અને દેખાવો યોજાયા
ભાવનગર પશ્ચિમમાં કોંગ્રેસ પક્ષમાંથી યુવા આગેવાન લાલભા ગોહિલને ટિકિટ નહીં અપાતા ગઈકાલે મોડીરાત્રે લાલભા ગોહિલના ટેકેદારોએ કોંગ્રેસ કાર્યાલય સામે ભારે સૂત્રોચ્ચાર દેખાવો કર્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયની બહાર લગાડવામાં આવેલ પંજાના નિશાનવાળા બોર્ડની તોડફોડ કરવામાં આવી હતી તેવું ચર્ચાઈ છે કે, ભાવનગરના અગ્રણીય નેતા શક્તિસિંહ ગોહિલ આ અગાઉ પશ્ચિમમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા હોવાથી કોંગ્રેસ પક્ષના તમામ દાવેદારોએ સ્વૈચ્છિક તેમનો દાવો જતો કરતા અને શક્તિસિંહના નામ ઉપર સંમતી આપી હતી. પરંતુ શક્તિસિંહ માંડવી બેઠક ઉપર ચૂંટણી લડવા જતા અને તેમના સ્થાને પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલની પસંદગી થતાં તેમની સામે દાવેદારોએ નારાજગી વ્યક્ત કરી હતી. એક તબક્કે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશ જોષીનો પણ ઘેરાવ કર્યો હતો. લાલભા ગોહિલે જણાવ્યું હતું કે, પોતે કોંગ્રેસમાં જ છે અને સાથે રહેશે.