ભાવનગર, તા.૩૦
ભાવનગર જિલ્લાના ગારિયાધારના વાલમનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ ચૌહાણ તથા તેના પરિવારને ગત તા.૧૬મીએ વાહન અકસ્માત થતાં રાકેશભાઈનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ઈજા થતાં ભાવનગર હોસ્પિટલમાં સારવારમાં હોઈ અને તેમના ગારિયાધાર ખાતે આવેલા બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી રૂા.ર૦ હજારની માલમત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.
જ્યારે અન્ય બનાવમાં ગારિયાધારના દેપલાપરા વિસ્તારમાં રહેતા વસંતબેન લાલજીભાઈ મકવાણા ઘરના તાળા તોડી કબાટમાં તિજોરી તોડી પરંતુ કશું હાથ નહીં લાગતા ઘરવખરી વેરવિખેર કરી હતી. જ્યારે કિરણભાઈના મકાનમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે દેપલા વિસ્તારમાં જ રહેતા છગનભાઈ વાઘેલાના મકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને માલમત્તાની ચોરી કરી નાસી ગયા હતા તેમજ આ જ વિસ્તારમાં રમેશભાઈ દેવાભાઈ ચુડાસમાની દુકાનમાં તાળા તોડી તસ્કરો ગલ્લામાંથી ૧ હજારનું પરચુરણની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. આ બનાવની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.