જૂનાગઢ, તા.ર૯
જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે તાજેતરમાં આંગડિયા પેઢીના વેપારીને લૂંટી લેવાનો બનાવ બનવા પામેલ હતો. પોલીસે આ બનાવના મૂળ સુધી પહોંચી અને આ લૂંટ પ્રકરણનો પર્દાફાશ કર્યો છે જો કે, લૂંટનો ભેદ ઉકેલવામાં ભાયાવદરની પોલીસ ટીમ કામગીરી કરી રહી છે. માણાવદર રહેતા અને બાંટવામાં આંગડિયા પેઢીની ઓફિસ ધરાવતા યોગેશભાઈ ગોંધિયા ઉપર તા.રર ઓક્ટોબરની રાત્રે હુમલો કરીને રૂા.રપ લાખના રોકડ ભરેલા થેલાની થયેલી લૂંટનો ભેદ ભાયાવદર પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ભાયાવદરના અરણી રોડ ઉપર દંગા નાખીને રહેતા બે પરપ્રાંતિય મજૂરને ઝડપી લીધા હતા. બંને શખ્સે લૂંટની કબૂલાત આપી હતી તેમજ ઝૂંપડામાં છૂપાવી રાખેલા રોકડા રૂપિયા ૧ર,પ૭,૭૮૦ કાઢી આપ્યા હતા. પોલીસે રોકડ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લીધેલા બે બાઈક અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા ૧૩.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લૂંટમાં સામેલ અન્ય ત્રણ મજૂર બાકીની રકમ લઈ વતન ભાગી જતા તેને ઝડપી લેવા માણાવદર પોલીસની એક ટીમ મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવી છે. યોગેશેભાઈ પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા ઓફિસ વધાવીને રાતે બાઈક ઉપર ઘરે જવા રવાના થયા હતા. માણાવદરથી ૪ કિ.મી. પહેલા સુલતાનાબાદ સ્મશાન પાસે અજાણ્યા શખ્સોએ પાછળથી માથામાં લાકડાનો ધોકો મારીને રૂા.રપ લાખના રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો. હુમલામાં ઘવાયેલા યોગેશભાઈને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. તેના પુત્ર ભૌતિકની ફરિયાદ ઉપરથી પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આંગડિયા ઓફિસ આસપાસ બે બાઈકમાં આવેલા શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી તેમજ યોગેશભાઈ બાઈક લઈને રવાના થયા ત્યારે બંને શંકાસ્પદ બાઈકમાં પાંચ શખ્સ તેની પાછળ રવાના થયા હતા. એક બાઈકના વ્હીલની રીંગને ગુલાબી કલરથી રંગેલી હોવાનું ધ્યાને આવતા પોલીસે બાઈકના આધારે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન ભાયાવદરના પીએસઆઈ એચ.એમ. ધાંધલ, એએસઆઈ એમ.એમ. મોગરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાયાવદરના અરણી રોડની ગોળાઈ ઉપર દંગા પાસે ૧૪૦૯ નંબરનું બાઈક નજરે પડ્યું હતું. એ બાઈકની રીંગ ગુલાબી કલરથી રંગેલી હોવાથી પીએસઆઈ ધાંધલે બાઈક કોનું છે તે જાણવા દંગામાં રહેતા શ્રમિકોની પૂછપરછ કરીને આદિવાસી સબુર જોખલભાઈ મૈડા અને પપ્પુ શંકરભાઈ મૈડા (મૂળ જાંબવા, મધ્યપ્રદેશ)ને અટકાયતમાં લઈ લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ બંનેએ લૂંટની કબૂલાત આપીને રોકડ રકમ કાઢી આપી હતી. બંનેની કબૂલાત મુજબ એકાદ વર્ષ પહેલાં માણાવદર બેલા ઉતારવા ગયા હતા ત્યારે આંગડિયા પેઢીનો વહીવટ ધ્યાને આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી રેકી કર્યા પછી લૂંટને અંજામ આપ્યો હતો. પકડાયેલા બંને લૂંટારાનો માણાવદર પોલીસે કબજો મેળવીને ફરાર ત્રિપુટીને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે. લૂંટનો ભેદ ઉકેલનાર ભાયાવદરના પીએસઆઈ ધાંધલ અને તેમની ટીમને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પીઠ થાબડી હતી.