(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
ગત ચોવીસ કલાક દરમ્યાન શહેર જિલ્લામાં થયેલ વરસાદના પગલે ખાડીઓમાં નવા નીર ઉમેરાયા છે. મીઠીખાડી ફરી ભયજનક સપાટી નજીક પહોંચતા પાલિકાનું તંત્ર ફરીથી એલર્ટ થયું છે.
સુરત મહાનગરપાલિકાના ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન અને આજે સવારથી બપોરે૪ વાગ્યા સુધી શહેર જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઈ રહી છે. શહેરના ઉપરવાસમાં આવેલ બારડોલી, કામરેજ, પલસાણા, ચોર્યાસીમાં થયેલ વરસાદના પગલે ખાડીઓમાં નવા નીર ઉમેરાયા છે. આજે સવારથી ખાડીઓની સપાટીમાં વધારો થઈ રહ્યા છે. કાકરાખાડીની સપાટી ૫.૫૦ મીટર, ભેદવાડ ખાડીની સપાટી ૫.૯૦ મીટર, મીઠીખાડીની સપાટી ૭.૩૦ મીટર ભાઠેના ખાડીની સપાટી ૬.૨૦ મીટર અને સીમાડા ખાડીની સપાટી ૨.૨૦ મીટર નોદ્વધાઈ છે. પાલિકાનું તંત્ર ખાડીઓની સપાટી પર સતત વોચ રાખી રહ્યાં છે. મીઠીખાડીની ભયજનક સપાટી ૭.૫૦ મીટર છે. જેની સામે સાંજે ૭.૮૦ મીટર નોંધાઈ છે. મીઠીખાડી ભયજનક સપાટી નજીક પહોંચતા લીંબાયત ઝોનનું તંત્ર સતર્ક બન્યું છે. પરવત પાટીયા વિસ્તારમાં ગત બે દિવસ અગાઉ જ ખાડીના પાણી ઓસર્યા હતા. ત્યારે આજે ફરી મીઠીખાડી ઓવરફ્‌લો થાય તેવી શકયતા સર્જાઈ છે.