જૂનાગઢ,તા.૧૮
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામમાં રાત્રી દરમ્યાન સિંહોનું ટોળું ઘુસી જતા ગામમાં ફફડાટ ફેલાયો હતો. પાંચ જેટલા સિંહો ગામમા ઘૂસતા ભયનો માહોલ સર્જાયો હતો. સિંહોના ટોળાએ ખેડૂતની બે ગાયોનું મારણ પણ કર્યું હતુ. આ દરમિયાન એક સિંહણે પુનાભાઈ નંદાણીયા નામના સ્થાનિકના ઘરમાં ઘુસી જતા બહારથી ઘરનો દરવાજો બંધ કરી દેવાયો હતો.
આ અંગે વન વિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ અધિકારીઓ દોડી આવ્યા હતા. આખરે આ સિંહણને બેભાન કરીને ઘરમાંથી બહાર લવાઇ હતી. સવારે ગામલોકો અને ફોરેસ્ટ અધિકારીઓએ ભેગા મળીને સિંહણને પાંજરામાં પૂરી હતી. બાકીના ૪ સિંહ રાત્રિ દરમિયાન ગામમાંથી નીકળી ગયા હતા.