(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
બિહારના મોતિહારીમાં મહાત્મા ગાંધી કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર સંજયકુમાર પર ૧૭ ઓગસ્ટના રોજ થયેલ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર બહાર આવ્યો છે જે સૂચિત કરે છે. હુમલાખોરો સંઘ પરિવાર સાથે જોડાયેલ અથવા તેના સમર્થકો હોઈ શકે છે. વીડિયોમાં હુમલાખોર કુમારને એવી પ્રતિજ્ઞા લેવા બળજબરી કરી રહ્યા છે કે તેઓ કયારેય અટલ બિહારી વાજપેયી અથવા અન્ય કોઈ નેતાની ટીકા લખશે કે બોલશે નહીં. ઉલ્લેખનીય છે કે, કુમારે વાજપેયીના મૃત્યુ બાદ ફેસબુક ટિપ્પણી કરી હતી કે ફાસીવાદના એક નવા યુગની સમાપ્તિ અટલજી અનંત યાત્રા પર નીકળ્યા. વીડિયોમાં એક હુમલાખોર સ્પષ્ટપણે કુમારને પ્રતિજ્ઞા લેવડાવી રહ્યો છે કે હું અટલજીનું અંતઃકરણથી સન્માન કરું છું અને આજ પછી કોઈ પણ મોટા નેતા કે જે ભારત રત્નથી સન્માનિત હોય તેવા કોઈપણ નેતાના વિરોધમાં ફેસબુક પોસ્ટ નહીં કરું. હું તમામ ભારતવાસીઓની માફી માંગું છું કે આજ પછી આવું નહીં થાય. આ ઘટના જેએનયુના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની હત્યાના પ્રયાસના તુરંત બાદ બની છે. સમાજનો મોટો ભાગ એ સ્વીકારવા મજબૂર થઈ રહ્યો છે. હિન્દુત્વવાદી રાજકારણ રમતા લોકો તેમના વિરૂદ્ધ ઉઠતા દરેક સૂરને હિંસાના માધ્યમથી દબાવવા માંગે છે. ભારતીય વિદ્યાલયોના શિક્ષક મંડળે આ ઘટના વિરૂદ્ધ ભારે વિરોધ નોંધાવ્યો છે. જામિયા શિક્ષક એકતા સંઘ, જેએનયુ શિક્ષક મંડળ સહિત દેશના મુખ્ય શિક્ષક સંઘોએ આ ઘટનાને જંગલ રાજનું ઉદાહરણ ગણાવતા કર્મચારીઓની સુરક્ષાની માગણી કરી છે. તેમણે આ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરતાં યુનિ. ગ્રાન્ટ કમિશન અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાને દખલગીરી કરવા અપીલ કરી છે. પીડિત કુમાર તેમજ અન્ય શિક્ષકોનું માનવું છે કે, યુનિ.ના ભ્રષ્ટ અને સરમુખત્યાર વાઈસ-ચાન્સેલર અરવિંદકુમાર અગ્રવાલ વિરૂદ્ધ શિક્ષકોએ અવાજ ઉઠાવતા આ હુમલો કરાયો છે. આ દરમિયાન પોલીસે કુમારની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. આરોપીઓમાંના એક એ શરણાગતિ સ્વીકારી છે જ્યારે અન્યોની ધરપકડ કરાઈ નથી. પોલીસ પર આરોપ છે કે, સમગ્ર ઘટના ક્રમનો વીડિયો ફૂટેજ હોવા છતાં પોલીસે હત્યાના પ્રયાસ (આઈપીસી ધારા ૩૦૭)ના બદલે સામાન્ય આરોપો મૂકયા છે. માત્ર ઈજા પહોંચાડવાના આરોપ મૂકી પોલીસે કેસની શરૂઆત પહેલાં જ તેનો અંત આણ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થી સંઘો પણ ઘટનાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા પટના ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.