પાટણ, તા.ર૧
પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક આંગડિયા પેઢીના કર્મીને લૂંટી લેવાના બનાવનો પોલીસે ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી તેમને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
ગત તા.૧૩/૮/૧૯ના રોજ પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા નજીક શહેરની વસંતલાલ અંબાલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી સુરેશ્વર એસ્ટેટમાં આવેલ ઓફિસેથી એક્ટિવા ઉપર બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા તે વેળા બાઈક પર આવેલ બે હેલ્મેટધારી લૂંટારૂઓએ એક્ટિવા ઊભું રખાવી ચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખી હીરાના પાર્સલ નંગ ૧પ કિંમત રૂા.૪.૧ર લાખ તેમજ રોકડ રકમ ર.પર લાખ કુલ મળી ૬.૬૪ લાખી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસની વિવિધ ટીમો બનાવાઈ હતી અને બાતમીના આધારે સિદ્ધપુરના રસુલ તળાવ ખાતે અહેમદપુરા, ફાતડાચાલી ખાતેથી પઠાણ નિયાઝખાન ઉર્ફે ચીનિયો હયાતખાન અને પ્રજાપતિ અંકિત બળદેવભાઈ, ફકીર રમજુશા ઈબ્રાહીમશા, વહાબ સૈયદ, તાહિર, ફકીર ઈમ્તિયાઝ, દિવાન સાહિલ, શેખ શકિલ ઉર્ફે ચેતન અહેમદભાઈ, સુધિર, રાજુભાઈએ લૂંટ કરી હોવાનું જણાવેલ તેમજ ડેલીગરા નફીસ ઉર્ફે એન.ડી., પટેલ ભાર્ગવ રાજેશભાઈએ રેકી કરીને આ લૂંટ બાબતે ટીપ્સ આપી હોવાની કબૂલાત કરી હતી. પોતાના ભાગે આવેલ હીરાના પેકેટ (૧૩) સોની આશીષકુમાર વસંતભાઈ (રહે. ખેરાલુવાળા)ને વેચ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ઉક્ત આરોપીઓ પૈકી પઠાણ નિયાઝખાન, પ્રજાપતિ અંકિત, ફકીર રમજુશા, પટેલ ભાર્ગવ અને સોની આશીષકુમારની અટકાયત કરી તેમની પાસેથી હીરા કિંમત રૂા.૧.૯૩ લાખ તથા રોકડ રકમ ર૮,પ૦૦ કબજે કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા તથા ઝડપાયેલ આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.