(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
ખાનગી શાળાના સંચાલકો સરકારે ફી નક્કી કરી હોવા છતાં ગાંઠતા નથી. વાલીઓ પાસેથી યેનકેન પ્રકારે, ધાક ધમકી, બાળકોને શાળામાંથી કાઢી મૂકવાની ખૂલ્લેઆમ વાલીઓને ધમકીઓ આપતા હોવાથી આજે કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને શહેર મધ્યે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તે દેખાવો યોજી શાળાની ફી ભરવા વાલીઓ માટે ભીખ માગી હતી. સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.
આજે સમી સાંજે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત (ટીકો)ની આગેવાની હેઠળ કોંગ્રેસના અગ્રણીઓ શૈલેષ અમીન, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ઝરણ ઝવેરી વગેરે સહિત સંખ્યાબંધ કાર્યકરોએ બેફામ ફી ઉઘરાવતા શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર શાળા સંચાલકો સામે ઘૂંટણીએ પડી ગઈ છે. એકવાર ફીનું માળખું નક્કી થયા પછી શાળા સંચાલકો વધારે ફી કઈ રીતે લઈ શકે ? સરકાર મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી છે.
આજે દંતેશ્વર સ્થિત બરોડા હાઈસ્કૂલમાં ફીના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હોવાના સમાચાર છે. કાર્યકરોએ બનેરો-પોસ્ટરો સાથે દેખાવ કરી સરકારની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે શાળા સંચાલકોની ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાથી વાલીઓની હાલત કફોડી બની છે. સંતાનોને જણાવવાનું મુશ્કેલ બન્યું છે.