(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
શહેરના રામપુરાની ગાર્ડન ફેકટરી વિસ્તારના મંદિર ખાતે ભીમા કોરેગાંવમાં નિર્દોષ દલિતો પર થયેલા હુમલાના વિરોધમાં સ્વાભિમાન સંસ્થાએ મનુવાદીઓમાં સદ્‌બુદ્ધિ આવે તે માટે હવન યજ્ઞનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં દલિત આગેવાનોએ વડાપ્રધાન મોદીના મૌન સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા શહેના રામપુરા વિસ્તારની ગાર્ડન ફેકટરી પાસેના વાલ્મિકી નગર ખાતેના મંદિર ખાતે મનુવાદીઓની સદ્‌બુદ્ધિ માટે હવન યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પુણેમાં ભીમા કોરેગાંવમાં મનુવાદીઓ તથા કેટલાક ભાંગફોડિયા તત્ત્વો દ્વારા નિર્દોષ દલિતો પર હુમલો કર્યો હતો. ઉપરાંત દલિત સમાજના લોકોના વાહનોની પણ ભારે તોડફોડ કરી હતી. આ હિંસામાં એક દલિત યુવાનનું મોત થયું હતું. આ ઘટનાના સમગ્ર દેશના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈ વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓને એક સ્વરે વખોડી કાઢી હતી. આ હવન યજ્ઞ કાર્યક્રમમાં અનેકો દલિત અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. તમામ વક્તાઓએ દલિત સુરક્ષા મામલે સરકારની આલોચના કરી પુનેની ઘટનાની નિંદા કરી હતી. ઉપસ્થિત સ્વાભિમાન સંગઠન સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ અને વાલ્મિકી સમાજના આગેવાન કિરીટસિંહ વાઘેલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા પછી દલિતો પરના અત્યાચારની ઘટનાઓ સતત વધી રહ્યી છે.જેમાં ઉના કાંડ, રોહિત વેમુલા કાંડ, સહારનપુર પછી પુણામાં બનેલી આ ઘટનાથી કેન્દ્રની સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી દલિતોનો વિશ્વાસ ગુમાવી રહી છે.