(એજન્સી) પુણે, તા. ૨૬
ભીમા-કોરેગાંવ હિંસાના કેસમાં ખાસ કોર્ટ દ્વારા કર્મશીલો સુધા ભારદ્વાજ, અરૂણ ફેરેરા અને વર્નોન ગોન્સાલ્વિસની જામીન અરજીઓ ફગાવી દીધાના થોડાક જ કલાકોમાં પુણે પોલીસની ટીમે શુક્રવારે સાંજે ફેરેરા અને ગોન્સાલ્વિસને તેમની કસ્ટડીમાં લઇ લીધા છે. પોલીસે મુંબઇ અને થાણેના તેમના નિવાસસ્થાનેથી બંનેને ઉઠાવી લીધા છે. બંનેને પુણે લાવવામાં આવશે એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. પુણે પોલીસ શનિવારે સુધા ભારદ્વાજને પણ કસ્ટડીમાં લેવાની છે. વારાવારા રાવ અને ગૌતમ નવલખા સાથે આ ત્રણે આરોપીઓની ૨૮મી ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમની ધરપકડને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રીમકોર્ટે તેમને નજરકેદમાં રાખવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટના આદેશ મુજબ આ ત્રણે આરોપીઓ નજરકેદમાં હતા. સુપ્રીમકોર્ટે તેમને જામીન મેળવવા વધુ કાનૂની પ્રક્રિયા માટે યોગ્ય કોર્ટમાં જવાનો પણ આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટના આદેશ મુજબ ત્રણે આરોપીઓએ પુણેેની ખાસ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જિલ્લા અને સેશન્સ જજ કેડી વડાણેએ શુક્રવારે બપોરે ત્રણે આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હોવાથી પોલીસે ફેરેરા અને ગોન્સાલ્વિસને તાકીદે કસ્ટડીમાં લઇ લીધા હતા. પોલીસે ફેરેરા અને ગોન્સાલ્વિસને કસ્ટડીમાં લીધા હોવાની પુષ્ટિ કરતા જોઇન્ટ પોલીસ કમિશનર શિવાજી બોડખેએ જણાવ્યું કે અમારી ટીમ્સે ફેરેરા અને ગોન્સાલ્વિસને કસ્ટડીમાં લઇ લીધા છે અને તેમને પુણે લાવવામાં આવશે અને આવતીકાલે શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. માઓવાદીઓ સાથે કથિત સંબંધો બદલ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે પ્રથમ દર્શીય પુરાવા હોવાનું ટાંકીને પુણેની ખાસ કોર્ટે શુક્રવારે સુધા ભારદ્વાજ, ફેરેરા અને ગોન્સાલ્વિસની જામીન અરજીઓ ફગાવી દીધી હતી.