(એજન્સી) પુણે, તા. ૨૯
ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં ધરપકડ કરાયેલા પાંચમાંથી ત્રણ ડાબેરી વિચારકોને બુધવારે પુણેની કોર્ટમાં રજ્‌્‌ કરવામાં આવ્યા હતા. બીજીબાજુ, ધરપકડ સામેના વિરોધમાં ચાર કાર્યકરો તરફથી સુપ્રીમકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમની મુક્તિની માગણી કરવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)એ ભીમા કોરેગાંવ હિંસાના સંદર્ભમાં પાંચ ડાબેરી કાર્યકરોની ધરપકડ અંગે મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરી છે. નક્સલવાદીઓ સાથે સંબંધ ધરાવવાના આરોપમાં ધરપકડ કર્યા બાદ પોલીસ મંગળવારે રાત્રે જ વારવરા રાવ,વેરનન ગોંજાલેસ અને અરૂણ ફરેરાને પુણે લઇ ગઇ હતી. બુધવારે તેમને ભારે સુરક્ષા વચ્ચે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી સુધી ગૌતમ નવલખા અને વકીલ સુધા ભારદ્વાજને તેમના ઘરમાં જ નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. સુધા ભારદ્વાજને ગુરૂવારે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. પાંચ કાર્યકરોની ૧૯૬૭ના ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે ૨૦૦૭માં અરૂણ ફરેરાની યુએપીએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને શહેરી નક્સલવાદી ગણાવવામાં આવ્યા હતા. તેમને બધા કેસોમાં દોષમુક્ત જાહેર કરાયા હતા પરંતુ તેમને પાંચ વર્ષ જેલમાં પસાર કરવા પડ્યા હતા. ફરી એક વાર ફરેરા સહિત પાંચ લોકોને શહેરી નક્સલવાદી ગણાવીને તેમની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, ભીમા કોરેગાંવ મામલામાં રોમિલા થાપર, પ્રભાત પટનાયક, સતીશ દેશપાંડે, માયા દર્નાલ અને અન્ય એક વ્યક્તિએ સુપ્રીમકોર્ટમાં સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખાની ધરપકડ સામે અપીલ કરી છે. અપીલમાં ભીમા કોરેગાંવ મામલામાં માનવાધિકાર કાર્યકરોની ધરપકડના સંદર્ભમાં સીધા સ્વતંત્ર તપાસનો નિર્દેશ આપવાની પણ માગણી કરવામાં આવી છે.