(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૬
જૂનાગઢ એમ.જી.રોડ રાણાવાવ ચોક સ્થિત ઓમ કોમ્પલેક્ષનાં બીજામાળે સોમવારે બપોરમાં આગ ફાટી નીકળી હતી. એક મોડેલિંગ સ્ટુડિયોનાં સ્ટોરરૂમમાં શોટસર્કીટનાં કારણે આગ લાગી હતી, જેણે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્ટોરરૂમમાં રાખેલી તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. દરમ્યાન આગની ઘટનાની જાણ થતાં ફાયર ઓફિસર ફેઝાદ દસ્તુર અને તેની ટીમનાં ૮ સભ્યોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ૧ મીની ફાયર ફાઈટર અને ૧ બ્રાઉઝર સાથે પહોંચેલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈ તમામ ચીજવસ્તુને લપેટમાં લઈ લીધી હતી. ધુમાડાનાં ગોટેગોટાથી આકાશ કાળું ભમ્મર બની ગયું હતુંં. દૂર-દૂર સુધી આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. આગની ઘટનાના પગલે રસ્તામાં પણ લોકોની ભીડ જામી હતી. કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે બાદમાં પોલીસે મહામહેનતે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જો કે ૪પ મિનિટ કરતાં વધુ સમય સુધી ટ્રાફિક બંધ કરી દેવાયો હતો જેથી આગમાં કોઈ ઈજાગ્રસ્ત ન બને અને આગ વધુ કોઈ વાહનોમાં ન ફેલાય. ફાયર ટીમે અંદાજે દોઢ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. અંદાજે ૧૦ હજાર લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. જો કે ત્યાં સુધીમાં લગભગ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે ૧ વ્યક્તિનો બચાવ કર્યો હતો.