સુરતમાં જમિયતે ઉલમા દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું

(સંવાદદાતા દ્વારા)                                                                                     સુરત, તા.૭

સુરત શહેરની જમિઅતે ઉલમા સંસ્થા દ્વારા ભોપાલ મધ્યપ્રદેશના સુનિયોજીત એન્કાઉન્ટરની નિષ્પક્ષીય મેજીસ્ટ્રેટરીયલ તપાસ કરાવી કસુરવારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સંદર્ભે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જમીઅતે ઉલમાના પ્રમુખ મૌલાના ફૈયાઝ લાતુરી સહિત સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જમિઅતે ઉલમા સુરત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સીમિના નિર્દોષ યુવોનોનો કેસ કોર્ટમાં ચાલુ છે. જેમાં તપાસ એજન્સીઓ આજ સુધી તેમનો ગુનો સાબિત કરતા કોઇ પુરાવા રજૂ કરી શક્યા નથી અને એટલે જ પોતાના ખોટા કેસ ઉભા કરી નિર્દોષ મુસ્લિમ શિક્ષિત યુવાનોને જેલમાં ગોંધી અત્યાચાર ગુજારી ગુના કબુલ કરાવી તેમની યુવાની જેલમાં જ બરબાદ કરી તેમના પરિવારને પણ બરબાર કરી દઇ પુરી મુસ્લિમ કોમને આતંકવાદી ઠેરવવાની મીડિયા, પોલીસ પક્ષની પોલિસી તમામ કેસોમાં ખુલ્લી પડી જતા પુરાવાના અભાવે આ યુવાનો નિર્દોષ છુટી જવાની સંભાવના હોવાથી પોતાના કાવત્રા અને ષડયંત્ર જાહેર થતા તોતીંગ દીવાલો અને ફુલપ્રુફ સિક્યુરિટીવાળી જેલમાંથી આ યુવાનોને પોલીસે જાતે જ કાઢીને પૂર્વ આયોજન મુજબ અવાવરૂ જગ્યાએ લઇ જઇ ઘાતકી હત્યા કરીને પોતાની વર્દી અને વૈધાનિક ફરજને લજાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે જમીઅતે ઉલમા સંસ્થા સીમી કે કોઇપણ આતંકની પ્રવૃત્તિ કરનાર સાથે સંકળાયેલ હોય તેવી વ્યક્તિ કે સંસ્થાનું ક્યારેય સમર્થન કરતો નથી, તેમજ ભારતીય બંધારણ અને કાનૂન પ્રત્યે આસ્થા ધરાવે છે અને તે દરેક નાગરિકની ફરજ તથા કર્તવ્ય છે. હાલના કહેવાતા સીમિના કેદીઓ વિરુધ્ધ ન્યાયની અદાલતમાં કેસ ચાલતા હતા, જો ન્યાયની અદાલત તકસીરવાર ઠરાવે તો તે સર્વને સીરોમાન્ય હોય તે સ્વાભાવીક છે. એટીએસ એ જાહેર કરેલ સ્ટોરી કોઇનાય ગળે ઉતરે એવી નથી, ફૂલ સિક્યોરિટીવાળી જેલમાંથી રાત્રે બે વાગ્યે સાડા આઠ કલાક વિત્યે પણ આઠ વ્યક્તિ અગિયાર વાગ્યે નવા કપડા, ઘડિયાળ, બૂટ પહેરીને ભેગા જ રહ્યા અને ૧૦ કિ.મી. દુર વેરાન પહાડીમાં પીકનીક કરવા પહોંચ્યા હોય તેમ પોલીસના હાથે પકડાઇ ગયા, ગેબથી તેમની પાસે હથિયાર આવી ગયા અને પોલીસ ઉપર હુમલો કર્યો એટલે પોલીસે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી તેમને જીવતા પકડવાના બદલે ગોળી મારી હત્યા કરી પતાવી દીધા, શું જેલમાં સીસીટીવી બંધ હતા? જેલના દરવાજા ખુલ્લા હતા? બધા સિક્યોરિટીવાળા સુઇ ગયા હતા ? કહેવાતા આતંકવાદીઓ શહેરમાં સંતાવવાના બદલે પહાડીમાં કેમ પહોંચ્યા ? આઠેય જણા જુદા જુદા કુટુંબ અને વિસ્તારના હતા તો પોતાના વિસ્તાર કે આશ્રય સ્થાનમાં જવાને બદલે કલાકો સુધી ભેગા જ કેમ રહ્યા ? તેમની પાસે ઘાતક હથિયાર હતા તો પોલીસને કેમ ઇજા ન થઇ ? તેઓ જીવ બચાવવા પહાડીઓમાં કેમ નાસી નહી ગયમ ? ૩ર ફૂટ ઉંચી જેલની દિવાલ ઉપર ચઢવુ અશક્ય છે તે કેવી રીતે શક્ય બન્યું ? તેમજ આટલી ઊંચી દીવાલ ચઢી બીજી તરફ કૂદવુ પણ અશક્ય અને કુદે તો શરીર ઉપર ભયંકર ઇજા થવી પણ શકય છે તો આવુ કેવી રીતે બન્યું તે તમામ તપાસનો વિષય છે. તેમજ જેલમાં નિર્દોષોના ષડયંત્રના ભાગરૂપે ભોગ લેવાયો તે તથા તેઓને થયેલ ઇજાઓ પણ શંકાસ્પદ છે તે પણ એક તપાસનો વિષય છે. અત્યારે ઇરાદાપૂર્વક આખા દેશમાં એવો માહોલ સર્જવામાં આવ્યો છે કે આ દેશમાં મુસ્લિમ,દલિત, આદિવાસી, ગરીબ અને પછાત હોવું ગંભીર ગુનો છે. અને આ દેશમાં એમના માટે ક્યાંય કોઇ સ્થાન – માન કે માનવધિકાર નથી, અપમાન શોષણનો શિકાર બનાવાય છે જે ભારતની ભાવનાત્મક એકતા તથા સદીઓથી સચવાયેલી અખંડીતતા અને સલામતી માટે ઘાતક છે. રાષ્ટ્રના લોકશાહીના અને ભારતીય પ્રજાના હિતમાં આ એન્કાઉન્ટરની ઉચ્ચ ન્યાયિક – સ્પષ્ટ અને પ્રમાણિક તપાસ કરી દોષીતો સામે હત્યાનો ગુનો દાખલ કરી પ્રજાને અને વિશ્વમાં ન્યાય સલામતિનો વિશ્વાસ જગાવવા જમિઅતે ઉલમાની લાગણી અને માંગણી કરી હતી. જમિઅતે ઉલમા સુરત શહેરના પ્રમુખ મૌલાના ફૈયાઝુદ્દીન લાતુરી સહિત સંસ્થાના આગેવાનોએ ઉપસ્થિત રહી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.