અમદાવાદ, તા.ર૭
ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીના દરોડામાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં રાજ્ય સરકાર દ્વારા આખરે શિક્ષાત્મક કાર્યવાહીનો સપાટો બોલાવવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના જોઇન્ટ ડાયરેકટર આરોપી કે.સી.પરમારનો એક વર્ષનો સરકાર સાથેનો કરાર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે, સાથે સાથે આ સમગ્ર ભ્રષ્ટાચાર કૌભાંડમાં સંડોવાયેલા મેનેજીંગ ડિરેકટર કે.એસ.દેત્રોજા, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ અને ફિલ્ડ સુપરવાઇઝર એસ.એમ.વાઘેલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકારની શિક્ષાત્મક કાર્યવાહીને પગલે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. રાજ્ય જમીન વિકાસ નિગમના જોઇન્ટ ડાયરેકટર આરોપી કે.સી.પરમાર અગાઉ નિવૃત્ત થઇ ગયા બાદ સરકારે તેમને એક્ષ્ટેન્શન આપી એક વર્ષનો કરાર કર્યો હતો, પરંતુ આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે ભૂમિકા સામે આવતાં આખરે સરકારે તેમનો કરાર રદ કર્યો છે, જ્યારે અન્ય ત્રણને સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચારના કૌભાંડમાં તપાસ દરમ્યાન અગાઉ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, ગુજરાત રાજ્યમાં આવેલી જમીન સંપાદનની કચેરીઓના ઓફિસરો સરકારી ગ્રાન્ટના પૈસા મંજૂર કરવા માટે લોકો પાસેથી પૈસા લેતા હતા. આ પૈસા આખી ચેઈન મારફતે મેનેજિંગ ડિરેક્ટર કે.એસ.દેત્રોજા સુધી પહોંચતા હોવાનો પણ ઘટસ્ફોટ તપાસમાં થયો હતો. આ સમગ્ર કૌભાંડ છેલ્લા બે વર્ષથી ચાલતું હતું.