(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
સીબીઆઈએ ભ્રષ્ટાચારના એક મામલામાં ઓરિસ્સા હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ ઈશરત કુદ્દુસી અને અન્ય ચારની ધરપકડ કરી છે. સીબીઆઈના સૂત્રો તરફથી આ જાણકારી આપવામાં આવી છે. આ ધરપકડ બુધવારે આઠ સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા બાદ મોડી રાત્રે કરવામાં આવી, આ દરમિયાન ગ્રેટર કૈલાશમાં ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) કુદ્દુસીના નિવાસસ્થાને પણ તલાશી લેવામાં આવી હતી. આ ઉપરાંત ભુવનેશ્વર અને લખનૌમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે ધરપકડ કરાયેલા અન્ય વ્યક્તિઓમાં લખનૌમાં એક મેડિકલ કોલેજના સંચાલક પ્રસાદ એજ્યુકેશનલ ટ્રસ્ટના બીપી યાદવ અને પલાશ યાદવ તથા મધ્યસ્થી વિશ્વનાથ અગ્રવાલ તથા હવાલા વેપારી રામદેવ સારસ્વતનો સમાવેશ થાય છે. સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલ આરોપીઓને આજે અદાલતમાં હાજર કરવામાં આવશે. પ્રવક્તાએ જણાવ્યું કે, એક મેડિકલ કોલેજને નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી રોકવામાં આવ્યાના કેસને કથિતરૂપે રફે-દફે કરવા માટે તેમની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઓરિસ્સા પોલીસે બુધવાર (ર૦ સપ્ટેમ્બર)ના રોજ સીબીઆઈ અધિકારીઓના એક દળ વિરૂદ્ધ અનાધિકાર પ્રવેશનો એક કેસ દાખલ કર્યો. જેણે દરોડા અને તલાશી માટે મંગળવારે મોડી રાત્રે ઓરિસ્સા હાઈકોર્ટના એક વર્તમાન ન્યાયાધીશના ઘરમાં કથિતરૂપે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે, હાઈકોર્ટના કોઈ ન્યાયમૂર્તિના નિવાસસ્થાને દરોડા પાડવાના ઉદ્દેશ માટે કોઈ કાયદા અમલીકરણ એજન્સી દ્વારા અપનાવવામાં આવતી માનસિક પ્રક્રિયાનું પણ આ કેસમાં પાલન કરવામાં આવ્યું નથી. જો કે સીબીઆઈએ પોતાના ઉપર લગાવવામાં આવેલા આ આરોપોને નકારી કાઢ્યા છે.