(એજન્સી) જયપુર, તા.૩૦
રાજસ્થાનના સાંગાનેરમાંથી ભાજપ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા ઘનશ્યામ તિવાડીએ પોતાના જ પક્ષની સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે પર નિશાન સાધતા ઘનશ્યામ તિવાડીએ કહ્યું છે કે, મેં કેન્દ્રીય નેતૃત્વને સ્પષ્ટપણે કહી દીધું છે કે, જ્યાં સુધી રાજસ્થાનના મેડમ મુખ્યમંત્રી છે ત્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ ઘનશ્યામ તિવાડીએ પોતાના લોકસંગ્રહ અભિયાનના એક કાર્યક્રમમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીનું કહેવું છે કે, તેઓ દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા માંગે છે. પરંતુ જો સાચે જ તેઓ ઈચ્છતા હોય તો તેની શરૂઆત રાજસ્થાનમાંથી કરે. ઉદયપુર આગમન પર વડાપ્રધાન મેડમને હટાવવાની ઘોષણા કરશે તો તે રાજ્ય માટે સૌભાગ્યની વાત ગણાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો આવનારી વિધાનસભા ચૂંટણી વસુંધરા રાજેના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવામાં આવશે તો હું ચૂંટણી નહીં લડું કારણ કે ભાજપ તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણી હારી જશે. પક્ષનો વિરોધ કરવા બદલ કેન્દ્રીય નેતૃત્વે પાઠવેલ નોટિસના પ્રશ્ન પર તિવાડીએ જણાબ આપ્યો કે હું મારો જવાબ આપી ચૂકયો છું. હવે કાર્યવાહી મારા પર નહીં પરંતુ મેડમ પર થશે.