(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું કે, વડાપ્રધાન સખત મહેનત કરે છે અને ત્રણ કલાક જ આરામ કરે છે તો મારી સાથે ભ્રષ્ટાચાર, નોટબંધી, જીએસટી અને ખેડૂતોની બદહાલી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરે. મધ્યપ્રદેશમાં પ્રચાર દરમિયાન એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા પ્રત્યે ‘અંગત નફરત’ રાખે છે. તેમણે કહ્યું કે આ એવો દેશ છે જે પ્રેમથી ભરેલો છે તેઓ અંગત નફરતથી ભરેલા છે. જાહેર કાર્યક્રમોમાં તેમને પ્રેમાળ ભાવથી મળું છું પણ તેઓ ત્યારપછી પણ મારી સાથે યોગ્ય રીતે વાત કરતા નથી. વડાપ્રધાને દેખાડ્યું છે કે, કઇ રીતે દેશ ના ચલાવવો જોઇએ. લોકોની સમસ્યા પર ધ્યાન ન આપી તેમ શાસન કરો તો દેશ યોગ્ય રીતે ચાલશે નહીં. વડાપ્રધાનની વ્યવહાર કુશળતા કોઇની સાથે મેળ ખાતી નથી. પાંચ વર્ષ પહેલા બધા એમ કહેતા હતા કે મોદીને કોઇ હરાવી શકશે નહીં પણ અમે હાર માની નહીં. અમે સંસદમાં લડ્યા, અમે જાહેરમાં લડ્યા. હવે તેઓ ગભરાટ અનુભવે છે. આજે કોઇ નથી કહેતું કે મોદી જીતશે.
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ઉત્સાહ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં રવિશ કુમારને જણાવ્યું છે કે, જે વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે અને બંધારણ પર આક્રમણ કરી રહી છે તેની સામે અમારી લડાઇ છે. આ આરએસએસની વિચારધારા છે કે દેશને એક સંગઠને ચલાવવું જોઇએ તેની સામે અમારી લડાઇ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ફક્ત કોંગ્રેસને જ નહીં પણ દેશની જનતાને પણ લાગે છે કે, તેમની લડાઇ આરએસએસ-ભાજપ સામે છે. હું જ્યાં જાઉં છું ત્યાં આ વાત સામે આવે છે, યુવા-મજૂર ખેડૂતો તમામ લોકો પરેશાન છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં જે પણ થયું તે પ્રેમની ભાવનાને કારણે થયું. હું પીએમ મોદી સાથે ઘણા અંગત કાર્યક્રમોમાં મળું છું પણ તેઓ યોગ્ય રીતે પ્રતિક્રિયા આપતા નથી. તેઓ મારા અને મારા પરિવાર પ્રત્યે વ્યક્તિગત વેર ધરાવે છે અને તેમને ઉખેડી ફેંકવાની જરૂર છે. મોદી મારા પિતા, મારા દાદી અને મારા પરદાદા વિશે નફરત અને ગુસ્સા સાથે બોલે છે પણ હું તેમની પાસે ગયો અને તેમને ઝપ્પી આપી. તમે વડાપ્રધાન છો અને તમારે નફરત કાઢી નાખવી જોઇએ તથા પ્રેમ સાથે કામ કરવું જોઇએ. તેમને ખબર પડવી જોઇએ કે નફરતને ફક્ત પ્રેમ દ્વારા જ મિટાવી શકાય છે. દિવંગત વડાપ્રધાન અને તેમના પિતા રાજીવ ગાંધી વિશે પૂછતા તેમણે કહ્યું કે, હું સત્ય જાણું છુંં. હું જાણું છું કે તેઓ જે ફેલાવે છે તે બધું જુઠ્ઠાણુ છે. તેનાથી શું ફેર પડે છે ? તમે મને નામદાર કહો છો તો ઠીક છે પણ ૨૩મી મેએ બધું સ્પષ્ટ થઇ જશે.