(એજન્સી) ઈસ્લામાબાદ, તા.પ
ચાઈના-પાકિસ્તાન વચ્ચે બની રહેલ પ૦ બિલિયન ડોલરના ઈકોનોમિક કોરીડોર (સીપીઈસી) માટે ચીને નાણાંકીય સહાય કામ ચલાઉ બંધ કરી હોવાના અહેવાલો છે. આ માર્ગ નિર્માણમાં ભારે ભ્રષ્ટાચારની ફરિયાદો મળતાં ચીને આ પગલું લીધું છે. પાકિસ્તાનમાં બની રહેલા ત્રણ માર્ગ કોરીડોર માટે લગભગ ૧ ટ્રિલિયન ડોલરનો ખર્ચ અંદાજાયો છે. જે માટે પાકિસ્તાન નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નિર્માણ થઈ રહેલું આ કામ હવે વિલંબમાં પડશે તેમ ડોન અખબારે જણાવ્યું હતું. પાકિસ્તાન સરકારના વરિષ્ઠ અધિકારીએ આ અંગે કહ્યું કે ચીન સરકારની નવી ગાઈડલાઈન બાદ ફંડ મળશે. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી આ ઈકોનોમિક કોરીડોર પસાર થઈ છેક બલુચિસ્તાન સુધી પહોંચે છે. ચીન મધ્યપૂર્વ દેશોમાં વેપાર વધારવા આ કોરીડોરનું નિર્માણ કરી રહ્યું છે. ડેરા ઈસ્માઈલખાન ઝોલ ર૧૦ કિ.મી. માર્ગ પાછળ ૮૧ બિલિયન ડોલર ખર્ચ થશે. ૬૬ બિલિયન બાંધકામ પાછળ અને ૧પ બિલિયન જમીન સંપાદન પાછળ ખર્ચાશે. બીજો પ્રોજેક્ટ ૧૧૦ કિ.મી.નો ખુજદાર-બસીમા બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. જેની પાછળ ૧૯.૭૬ બિલિયન ડોલર ખર્ચનો અંદાજ છે. ત્રીજો પ્રોજેક્ટ કારાકોરમ હાઈવે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના રાયકોટથી થાકોટ વચ્ચે બનશે. જેની પાછળ ૮.પ બિલિયન ડોલર ખર્ચ થશે.