(એજન્સી) કોલંબો, તા.૧૦
શ્રીલંકાના વિદેશ મંત્રી રવિ કરૂના નાયકે બોન્ડ કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લીધે રાજીનામું આપ્યું છે પણ એમને જણાવ્યું છે કે, મેં કંઈ ખોટું કર્યું નથી. સંસદમાં એમણે નિવેદન આપી જણાવ્યું હતું કે, મારી ઉપર બધા આક્ષેપો આધાર વિહોણા અને ખોટા છે પણ મેં સરકારની પ્રતિષ્ઠા સાચવવા માટે રાજીનામું આપ્યું છે. એમણે કહ્યું કે મેં કયારે કંઈ પણ ખોટું કર્યું નથી અને હું ગર્વ સાથે રાજીનામું આપી રહ્યો છું જેથી શ્રીલંકામાં નવી રાજકીય સંસ્કૃતિ રચાય જેથી સુશાસન જાળવી રાખવામાં આવે. કરૂના નાયકનું નામ સેન્ટ્રલ બેંકના વિવાદિત બોન્ડ કૌભાંડમાં બહાર આવ્યું હતું. જેની તપાસ થઈ રહી છે. એમણે કહ્યું કે આની સાથે મારે કોઈ લેવા દેવા નથી. સમય ઈમાનદારી પૂરવાર કરશે. બધાને ખબર છે કે મારી પાસે કેટલી સંપત્તિ છે. પક્ષના સભ્યો અને અન્ય લોકો મારા ઘરની મુલાકાતો લઈ ચૂકયા છે. એમને ખબર છે કે, રાજકીય હેતુ માટે હું સંપત્તિનો ઉપયોગ નથી કરતો. વિરોધ પક્ષના સભ્યોએ વિધાનગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી હતી. એ પહેલાં જ એમણે રાજીનામું આપ્યું છે.