(એજન્સી) પટના, તા. ૧૨
ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયેલા લાલુ પ્રસાદના પુત્ર અને બિહાર સરકારમાં મંત્રી તેજસ્વી યાદવે આજે નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર વળતા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મારી વિરૂદ્ધ લગાવેલા આરોપો રાજકારણ પ્રેરિત છે અને અમારું ગઠબંધન મજબૂત છે જે કોઇ કાળે તૂટશે નહીં. તેજસ્વીએ કહ્યું કે, મારી વિરૂદ્ધ એફઆઇઆર નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ષડયંત્ર છે. પ્રથમ દિવસથી જ તેમણે અમારું ગઠબંધન તોડવાના પ્રયાસ કર્યા છે. ૨૦૦૪માં તો મારી મૂંછો પણ ફૂટી નહોતી તો પછી ૧૩-૧૪ વર્ષનું બાળક ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકે. દરમિયાન બુધવારે નીતિશ કુમારની બેઠકમાં તેજસ્વી યાદવ પણ સામેલ થયા હતા ઉપરાંત આ પહેલા જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી.ત્યાગીએ કહ્યંુ હતું કે, જેડીયુએ તેજસ્વી યાદવને રાજીનામું આપવા કહ્યંુ જ નથી અને આ માટે તેમને કોઇ અલ્ટિમેટમ આપ્યું નથી. અમે ફક્ત એટલું જ કહ્યું છે કે, જાહેરમાં લોકો વચ્ચે જઇ બધી વાતની સ્પષ્ટતા કરવી જોઇએ. તેજસ્વીએ કહ્યું કે મંત્રી બનવાની સાથે જ મેં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે . મારા ત્રણ વિભાગોમાં ભ્રષ્ટાચારનો એક પણ કેસ સામે નથી આવ્યો. અમારું ગઠબંધન મજબૂત છે અને તે તૂટવાનું નથી, ભાજપને આકરો જવાબ મળશે. નીતિશ કુમારના પક્ષે આરજેડીને તેજસ્વી અંગે ચાર દિવસનો સમય આપ્યો હોવાના અહેવાલ મામલે આરજેડીએ સ્પષ્ટતા કરી હતી કે, તેજસ્વી યાદવ કોઇ પણ કાળે રાજીનામું નહીં આપે. આ ખેંચતાણ વચ્ચે ભાજપે જાહેર કર્યું હતું કે, મહાગઠબંધનમાં તિરાડ પડવાની સ્થિતિમાં તેઓ નીતિશ કુમારને સમર્થન આપવા માટે તૈયાર છે. દરમિયાન તેજસ્વીએ કહ્યું કે, અમે ગરીબોની વાત કરી, ખેડૂતોની વાત કરી ત્યારે અમે પછાત પરિવારમાંથી હોવાને કારણે અમને સતાવવામાં આવી રહ્યા છે.