લખનઉ, તા. ૨૭
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જણાવ્યંું હતું કે, બીએચયુ યુનિવર્સિટીમાં માહોલ બગાડવા માટે પ્રથમ દર્શનીય રીતે અસામાજિક તત્વો જવાબદાર હતા. તેમણે કહ્યું કે, વહીવટીતંત્રને ઘટનાની ઉંડાણમાં જઇને તપાસ કરવા તથા તેમાં કોઇ વિદ્યાર્થીની હેરાનગતિ નહીં કરવા આદેશ અપાયા છે. આ હિંસા ત્યારે ભડકી જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પ્રદર્શનો કરતા ઉપકુલપતિને મળવાની માગ કરી રહ્યા હતા અને તેમના નિવાસ પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ છોકરીઓની સલામતી માટે કેમ્પસમાં ૨૪ કલાક સુરક્ષાની માગ સાથે કેમ્પસમાં યોગ્ય રીતે ચેકિંગ માટે સીસીટીવી લગાવવાની માગ કરી રહ્યા હતા. તેઓ મહિલા હોસ્ટેલ પાસે મહિલા સુરક્ષા ગાર્ડની પણ માગ કરી રહ્યા હતા. યોગી આદિત્યનાથે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, એવા રિપોર્ટ હતા કે, બીએચયુમાં માહોલ બગાડવા માટે કેટલાક અસામાજિક તત્વો આવ્યા હતા જેની તપાસ કરવા તંત્રને કહેવાયું છે. આમાં કોઇ વિદ્યાર્થીની હેરાનગતિ નહીં કરવા પણ તાકીદ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં માહોલ બગાડનારાઓને કોઇપણ રીતે બક્ષવામાં નહીં આવે. પ્રથમ દર્શનીય રીતે આ અસામાજિક તત્વોનું ષડયંત્ર દેખાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જો યુનિવર્સિટીના નિરિક્ષક બોર્ડે સમયસર પગલાં લીધા હોત તો આવી મોટી ઘટના બનતી અટકાવી શકાઇ હોત. આ ઉપરાંત રાજ્યની તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા પણ જણાવી દેવાયું છે.