(એજન્સી) વોશિંગ્ટન,તા.૬
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં શુક્રવારે મધરાતે ૭.૧ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. હજુ તો ચોવીસ કલાક પહેલાં આ વિસ્તારમાં ૬.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
પહેલા આંચકા બાદ ૧૪૦૦ આફ્ટરશૉક આંચકા નોંધાયા હતા એમ અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું. આ ભૂકંપનું કેન્દ્ર રીજક્રેસના ઇશાન (ઉત્તર પૂર્વ) ખૂણે ૧૧ માઇલ દૂર હતું. એટલે કે લોસ એંજલ્સથી ૧૫૦ માઇલ દૂર આ કેન્દ્ર હતું.
સ્થાનિક લોકોએ મિડિયાને કહ્યું હતું કે લગભગ વીસથી પચીસ સેકંડ સુધી અમારાં ઘરો ધ્રૂજતા રહ્યાં હતાં. જો કે કોઇ જાનહાનિ થઇ નહોતી. અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા.
શુક્રવારે સવારે પણ દક્ષિણી કેલિફોર્નિયામાં બે દશકાનો સૌથી ખતરનાક ભૂકંપ ત્રાટક્યો હતો. ૬.૪ રિક્ટર સ્કેલના ધરતીકંપથી ઈમારતો અને સડકોને નુકસાન થયું હતું. જોકે, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રમુખ ટ્રમ્પે ટ્વીટ કરીને બધું જ કંટ્રોલમાં હોવાનું જણાવ્યું હતું.
કેલિફોર્નિયાના દક્ષિણી વિસ્તારની ધરતી ૬.૪ મેગ્નિટયૂટના ઝટકાથી ધણધણી ઊઠી હતી. છેલ્લે આ વિસ્તારમાં ૧૯૯૯માં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. બરાબર ૨૦ વર્ષ પછી આટલો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. અમેરિકાના જિયોલોજિકલ સર્વે દ્વારા જાહેર થયું હતું કે હજુય એક-બે દિવસ ભૂકંપના ઝટકાનો અનુભવ થશે.
કેલિફોર્નિયામાં ૭.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ઘરો ધ્રૂજી ઊઠ્યા, રસ્તાઓ પર તિરાડો પડી

Recent Comments