(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૬
બોરસદ તાલુકાના ભાદરણ ગામે આવેલ ઈશ્વર કૃપા સોસાયટી અને તેના પાછળના વિસ્તારમાં આવેલ ૧૦૦થી વધુ ઘરોમાં છેલ્લા ૬ માસથી પાણીની સમસ્યા સર્જાઈ છે જે બાબતે વારંવાર પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે મહિલાઓએ કંટાળીને પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો અને પાણીની માંગ કરી હતી
મળતી વિગતો અનુસાર ભાદરણ ખાતે આવેલ ઈશ્વર કૃપા સોસાયટી અને તેના આજુબાજુના વિસ્તારમાં છ માસ અગાઉ બાલવાડી પાસે આવેલ કુવામાંથી પાણી આપવામાં આવતું હતું પરંતુ કૂવો ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિ હોય પંચાયત દ્વારા સ્થાનિકોને પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવતું ન હતું અને બાલવાડીના કુવામાં માટી ધસી પડતા પાણી બંધ થઇ ગયું હતું જેને લઇ પંચાયત દ્વારા અન્ય કુવામાંથી લાઈન જોઈન્ટ કરવામાં આવી હતી પરંતુ ત્યાંથી પાણી પૂરતા ફોર્સથી આવતું ન હતું અને અડધા ઉપરના ઘરોમાં પાણી પહોંચતું ન હતું અને કેટલીક વાર તો ૨ -૩ દિવસ સુધી પાણી આવતું ન હતું છેલ્લા ૬ માસથી પાણીની વિકટ સમસ્યા વચ્ચે લોકો રહ્યા હતા અને આ અંગે પંચાયતમાં સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવેલ હતી છતાં પંચાયત અને સરપંચ દ્વારા આ વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન કરી પાણીના પ્રશ્નનો નિકાલ લાવવા માટે કોઈ કાર્યવાહી કરી ન હતી આ વિસ્તારમાં પંચાયત દ્વારા લાંબા સમયથી એક પાણીની ટાંકી બનાવેલ છે પરંતુ તેનું આજ દિન સુધી ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું નથી જો આ ટાંકીનું ઉદ્‌ઘાટન કરી અહીંયાથી પાણીનું સપ્લાય કરવામાં આવે તો પાણીની સમસ્યા દૂર થાય તેમ છે છતાં પંચાયત દ્વારા કેમ આ ટાંકીનું ઉદ્‌ઘાટન કરવામાં આવતું નથી તે સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે છેલ્લા છ માસથી આ વિસ્તારની મહિલાઓ માથે બેડલાં મૂકી પાણી માટે રઝળપાટ કરી રહી છે અને છેલ્લા ૧ મહિનાથી આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે આવી કાળઝાળ ગરમીમાં મહિલાઓને પાણીની રઝળપાટ કરવી પડી રહી છે ત્યારે આખરે મહિલાઓ કંટાળી હતી અને બુધવારે આજે ૧૨ કલાકે મહિલાઓએ પહોંચી હોબાળો મચાવી દીધો હતો અને પાણીની માંગ કરી હતી પરંતુ અહીંયા તેઓને સરપંચ મળ્યા ન હતા સરપંચ મિટિંગમાં ગયા હોવાનું પંચાયતમાંથી જાણવા મળ્યું હતું જો કે આ સમયે સ્થાનિક પંચાયત સભ્યએ આવી પાણી સમસ્યા વહેલી તકે દૂર કરવાની ખાતરી આપી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે જો અમારી પાણી અંગેની માંગ વહેલી તકે પુરી કરવામાં નહિ આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ પર બેસીસું આ અંગે સરપંચ અને તલાટીનો સંપર્ક કરવામાં આવતા સરપંચનો ફોન કવરેજ ક્ષેત્ર બહાર આવતો હતો જયારે તલાટીએ તો ફોન રિસીવ જ કર્યો ન હતો