હૈદરાબાદ, તા.૧ર
ગત મેચમાં થયેલા પરાજય બાદ ભારતીય ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ નિર્ણાયક ત્રીજી અને અંતિમ ટ્‌વેન્ટી-ર૦ મેચમાં પોતાની ભૂલોમાંથી બોધપાઠ લઈને શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે. વન-ડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર વિજય બાદ રાંચીમાં પ્રથમ ટ્‌વેન્ટી-ર૦ મેચ પણ નવ વિકેટે જીતી પણ ગૌહાટીમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તાજેતરની સફળતા છતા કોહલીએ કહ્યું છે કે તેને હરાવવું હંમેશા કઠીન હોય છે. ગૌહાટીમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા નિર્ણાયક મેચમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે ઓસ્ટ્રેલિયાના નવા ઝડપી બોલર બેહરેડોર્ફની સામે ભારતનો મજબૂત બેટિંગક્રમ ટકી શક્યો નહીં. ગૌહાટીમાં ભારતીય સ્પિનરોની ખૂબ જ ધોલાઈ થઈ. કપ્તાન કોહલી અક્ષર પટેલને મેદાનમાં ઉતારી શકે છે. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની પિચ બેટસમેનો માટે સારી છે અને દર્શકોને આ પિચ પર ઘણા રન બનવાની આશા હશે જો કે વરસાદ દર્શકોની મઝા બગાડી શકે છે. અહિયા આઈપીએલની મેચ નિયમિત રમાઈ છે પણ ટ્‌વેન્ટી-ર૦ આંતરરાષ્ટ્રીય મેચ પહેલીવાર રમાશે.