અમદાવાદ, તા.ર૪
ગુજરાતના શિક્ષણમંત્રી ચુડાસમાની જીતને પડકારતી પિટિશન મામલે કેટલાક સમાચાર માધ્યમોમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે, હાઈકોર્ટે ચુડાસમાને હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું પણ હકીકતે ચુડાસમાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ રીટમાં ભૂપેન્દ્રસિંહ ખૂદ સાક્ષી તરીકે હાઈકોર્ટ સમક્ષ જુબાની આપવા ઉપસ્થિત રહેવા માંગે છે. શુક્રવારે સુનાવણી દરમિયાન જ્યારે ચુડાસમાના એડવોકેટે આ રજૂઆત કરી ત્યારે આ જીતને પડકારનાર કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અશ્વિન રાઠોડ તરફથી આનો વિરોધ કરતાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જાન્યુઆરીમાં ચુડાસમાં તરફથી જે સાક્ષીનું લીસ્ટ આપવામાં આવ્યું હતું તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ સામેલ નહોતું તેથી સાક્ષીઓની યાદીમાં પાછળથી તેમનું નામ ઉમેરવામાં ના આવવું જોઇએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ તરફથી જ્યારે તેમની તેમના વકીલ તરફથી જુબાની માટે વધુ આગ્રહપૂર્વક રજૂઆતો કરાતાં તેમને હાઈકોર્ટે આ અંગે અરજી કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૨૭ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૧૮ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ૩૨૭ મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જો કે, આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે, ૪૨૯ જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી. ત્યારે આ મામલે સાક્ષી તરીકે જુબાની આપવા ચુડાસમા હાજર રહેવા માંગે છે તે પ્રકારની અરજી સોમવારના રોજ ચુડાસમાના વકીલ તરફથી કરવામાં આવશે.