અમદાવાદ, તા.૩૧
ગુજરાતના વિકાસમાં મહિલાઓનું પ્રદાન પણ મહત્ત્વનું બની રહ્યું છે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. ધોળકા ખાતે જિલ્લા પંચાયતના ઉપક્રમે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, માતૃશક્તિ અને નારી શક્તિ સમાજ, રાજ્ય અને દેશનું ભવિષ્ય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થામાં, પોલીસની નોકરી તથા મહિલા જીઆઈડીસી અંગેની સરકારની મહત્ત્વપૂર્ણ યોજનાઓના કારણે ઘરની ચાર દીવાલો વચ્ચે જીવન વિતાવનારી નારી આજે ખરા અર્થમાં પુરૂષ સમોવડી બની છે. જેના થકી આજે ગુજરાતના વિકાસમાં મહિલાઓનું પ્રદાન પણ મહત્ત્વનું બની રહ્યું છે.
અભયમ એપ, મહિલા અદાલત, મહિલા આરક્ષણ સહિત અનેક યોજનાઓને કારણે શિક્ષણ, રોજગાર અને વ્યવસાયમાં મહિલાઓ માનભેર આગળ વધી શકે અને આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે રાજ્ય સરકાર કાર્યરત રહેશે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, સરકારના ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોને કારણે રાજ્યમાં શિક્ષણની સાથે રમત-ગમત પ્રત્યે પણ પરિણામલક્ષી હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય ઘેટા અને ઉન વિકાસ નિગમના ચેરમેન ભવાનભાઈ ભરવાડે જણાવ્યું કે, રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણની નીતિને કારણે આજે મહિલાઓ માટે વિકાસની વિશાળ તકો ઉપલબ્ધ થઈ છે. તેમણે મહિલાઓને અભ્યમ એપનો ઉપયોગ કરવા સૂચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ભાવીબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રાધાબેન સેનવા, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ, પ્રાંત અધિકારી ધવલ જાની તેમજ ૧૮૧ અભ્યમ સેવાની કર્મચારીઓ બહેનો અને વિશાળ માત્રામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.