અમદાવાદ, તા.ર૮
દુષ્કર્મ અને હત્યાના આરોપી અને હાલ જેલવાસ ભોગવી રહેલા આશારામના આશ્રમને રાજ્યના શિક્ષણમંત્રીએ શુભેચ્છા સંદેશ પાઠવતા વિવાદ સર્જાયો છે. બળાત્કારી આશારામના આશ્રમને લેટરપેડ ઉપર લખીને શુભેચ્છા પાઠવવા મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સામે સવાલો ઊભા થયા છે. બળાત્કારીના આશ્રમને શુભેચ્છા પાઠવવાની મંત્રીને જરૂર કેમ પડી ? શું મંત્રી હજુ પણ આશારામના ‘ભક્ત’ છે ? તેવા સવાલો હાલ ચર્ચાનો વિષય બની ગયા છે.
ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા એવા રાજ્યના મંત્રીએ પોતાના ઓફિસિયલ લેટરપેડ પર આશ્રમની સાધ્વી પર દુષ્કર્મ અને દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં રાજસ્થાનની જેલમાં કેદ આશારામ બાપુના આશ્રમની સંસ્થા યોગ વિદાંત સેવા સમિતિને શુભેચ્છા સંદેશ પાઠવતા લખ્યું છે કે માતા-પિતા અને ગુરૂની સેવા કરનાર ચિર આદરણીય અને પૂજનીય છે ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ : પિતૃદેવો ભવઃ આચાર્ય દેવો ભવઃ સુત્ર દરેકને પ્રેરિત કરે છે. તા.૧૪ ફેબ્રુઆરી, ર૦૧૯ના રોજ માતૃ-પિતૃ પુજન દિવસની ઉજવણી કરાશે. આપની સંસ્થા દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ દ્વારા નવીન અભિયાનનો શુભારંભ કર્યો છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતીઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપની સંસ્થા દ્વારા થઈ રહેલ આ ઉમદા કાર્ય માટે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
આમ એક તરફ સરકાર ન્યાયની વાતો કરે છે તો બીજી તરફ ભાજપના મંત્રી બળાત્કારી અને હત્યાના આરોપી આશારામની સંસ્થાને શુભેચ્છાઓ પાઠવવા પોતાના ઓફિસયલ લેટરપેડનો ઉપયોગ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુક ફેરમાં આશારામના પુસ્તકો માટે સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. ત્યારે પણ વિવાદ થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે ભાજપના લાલકૃષ્ણ અડવાણી, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, આઈપીએસ અધિકારી ડી.જી.વણઝારા આશારામ બાપુના ભક્ત હતા. તેમના કાર્યક્રમોમાં આ અગ્રણીઓ હાજર રહેતા હતા. ત્યારબાદ સાધ્વી પર દુષ્કર્મના કેસ સહિતના ગુનાઓમાં હાલ આશારામ બાપુ જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આશારામ બાપુના આશ્રમને શુભેચ્છા સંદેશ પાઠવતા અનેક સવાલો ઊભા થયા છે.