(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.૩૧
ગત તા.૧/પ/ર૦૧૮થી તા.૩૧/પ/ર૦૧૮ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન ર૦૧૮ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લાના નવ તાલુકામાં ૪૩૯ ગામોમાં એક મહાનગરપાલિકા અને છ નગરપાલિકામાં ૮ કરોડ, પ૧ લાખના ખર્ચે પપ૩ કામો કરવામાં આવ્યા છે.
આજે તા.૩૧ના આ કાર્યક્રમની પૂર્ણાહુતિનાં ભાગરૂપે સુરત જિલ્લાનો આ કાર્યક્રમ માંગરોળ તાલુકાનાં ઝીનોરા ગામે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં અધ્યસ્થાને રાખવામાં આવ્યો હતો. સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે સ્વાગત પ્રવચનની સાથે આ કાર્યક્રમની સુરત જિલ્લાની વિસ્તૃત માહિતી આપી હતી.
અધ્યસ્થાનેથી બોલતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમ પક્ષ કે સરકારનો નહીં પરંતુ સમગ્ર પ્રજાનો જળ સંગ્રહ કાર્યક્રમ બની ગયો છે. ૧૭ વર્ષોમાં પ્રથમવાર નર્મદાનાં નીરના સ્તરો નીચા ગયા છે. જેની ગંભીરતા લઈ રાજ્ય સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. ધરતી એ પાણીની બેંક છે. એમ જણાવી ઉપસ્થિત માનવમેદનીને પાણીનો બગાડ ન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સર્વ કમલ દયાની (સુરત જિલ્લાનાં પ્રભારી સચિવ), ડી.કે.પારેખ (ડી.ડી.ઓ), રાજુભાઈ પાઠક, રીતેશ વસાવા, ચંદનબેન ગામીત, ઉમેદભાઈ ચૌધરી, જગદીશભાઈ ગામીત, ભરતભાઈ સકસેના, ભરતભાઈ આહીર, હર્ષદભાઈ ચૌધરી, દિપકભાઈ વસાવા હાજર રહ્યા હતા.