ગાંધીનગર, તા.૮
અશાંત વિસ્તાર ધારામાં સુધારા સૂચવતું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. હવે અશાંત ધારામાં કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત કલેક્ટરની મંજૂરી બાદ જ તબદિલ કરી શકશે, તેમજ આ ધારાનું ઉલ્લંઘન કરનારા દોષિતને ત્રણથી પાંચ વર્ષની સજા અને રૂા.૧ લાખ અથવા મિલકતની જંગી કિંમતના ૧૦ ટકા અથવા બંનેમાંથી જે વધુ હોય તેટલો દંડ અને સજા ફટકારાશે. એમ, અશાંત સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. ગુજરાત અશાંત વિસ્તારમાંની સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ અંગેના અધિનિયમ ૧૯૯૧માં કેટલાક સુધારા સૂચવતું સુધારા વિધેયક મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરતા વિસ્તૃત ચર્ચા વિચારણાના અંતે આ સુધારા વિધેયક આજે વિધાનસભા ગૃહમાં પસાર કરાયું હતું. આ સુધારા અંતર્ગત કલેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. મિલકત તબદિલીની વ્યાખ્યાનું પ્રાવધાન આ સુધારા અંતર્ગત અસરકારક બનતું હોઈ, રજિસ્ટ્રેશન માટે કલેક્ટરની મંજૂરી જરૂરી બની જશે. હાલ અમદાવાદ, સુરત, વડોદરા, ગોધરા, હિંમતનગર, કપડવંજ અને ભરૂચ ખાતે આ કાયદાની જોગવાઈઓ અમલમાં છે. અશાંતધારા વિસ્તારની કોઈ વ્યક્તિ કે જેની સ્થાવર મિલકતમાં રેવન્યુ રેકર્ડમાં તેનું નામ છે, તેવી કોઈ વ્યક્તિ જો પોતાના જ ઉપયોગ માટે તે મિલકતનો પુનઃ વિકાસ કરે તો તે માટે કલેક્ટરની કોઈ મંજૂરીની આવશ્યકતા રહેશે નહીં, પરંતુ જો તે વ્યક્તિ તેની મિલકતનો પુનઃ વિકાસ કરીને તે મિલકત સંપૂર્ણ કે તેનો ભાગ અન્ય કોઈ વ્યક્તિને તબદિલ કરવા ઈચ્છતી હશે તો કલેક્ટરની મંજૂરી આવશ્યક રહેશે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સુધારા વિધેયકની જરૂરિયાત અને કારણો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કાયદામાં અશાંત વિસ્તારમાં સમાવેશ મિલકતની તબદિલી/વેચાણની અરજી કલેક્ટરને મળે, ત્યારે વેચાણ લેનાર અને આપનાર બંને વચ્ચેની મુક્ત સંમતિ છે કે કેમ ? અને મિલકતની વાજબી કિંમત છે કે કેમ ? તેની ચકાસણી કરીને અરજી મંજૂર/નામંજૂર કરવાની જોગવાઈ છે, તેને બદલે સૂચિત સુધારામાં (પ્રવર્તમાન જોગવાઈ ઉપરાંત કલેક્ટરે ચકાસણી કરવાની રહેશે કે, તબદિલીના જુદા-જુદા પ્રકાર પૈકીની કોઈ એક તબદિલી છે કે કેમ ? તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત હોય તેવા વિસ્તારમાં એક સમૂદાયને લગત વ્યક્તિઓના ધ્રુવિકરણની શક્યતા છે કે કેમ ? તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત હોય તેવા વિસ્તારમાં એક સમૂદાયને લગતા વ્યક્તિઓના અયોગ્ય જૂથની શક્યતા છે કેમ ? વગેરે બાબતોની કલેક્ટરે ચકાસણી કર્યા બાદ મંજૂર અથવા નામંજૂરનો હુકમ કરવાનો રહેશે અને સામાન્યતઃ આવી અરજીનો ત્રણ માસમાં નિકાલ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. યોગ્ય કારણો નોંધીને કલેક્ટર નિકાલની સમયમર્યાદામાં લંબાવી શકાશે. કલેક્ટરના આ કાર્યમાં આ સુધારા અધિનિયમથી રચવામાં આવેલ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) મદદ કરશે.