(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
હાઈકોર્ટના આદેશ અનુસાર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ દ્વારા ચુડાસમાની હાઈકોર્ટ સમક્ષ સાક્ષી તરીકે ઉપસ્થિત રહી જુબાની આપવાની માંગ કરતી અરજી સોમવારે સુપરત કરવામાં આવી હતી. આજે આ અરજીની સુનાવણી દરમિયાન પિટિશન કરતાં અશ્વિન રાઠોડના વકીલ દ્વારા મૌખિક ચર્ચામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાક્ષી તરીકે ઉપસ્થિત રહી જુબાની આપે, તેની સામે કોઈ વિરોધ ના નોંધાવતા, હાઇકોર્ટે અશ્વિન રાઠોડના વકીલને આ અંગે ૩૦ ઓગસ્ટ સુધીમાં લેખિતમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ અંગેની વધુ સુનાવણી ૩૦ ઓગસ્ટે રાખવામાં આવી છે. શુક્રવારે ચુડાસમાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આ રિટમાં ભૂપેન્દ્રસિંહ ખુદ સાક્ષી તરીકે હાઇકોર્ટ સમક્ષ જુબાની આપવા ઉપસ્થિત રહેવા માંગે છે. શુક્રવારે જ્યારે ચુડાસમા તરફથી ઉપસ્થિત એડવોકેટે આ રજૂઆત કરી ત્યારે આ જીતને પડકારનાર કોંગ્રેસના પરાજીત ઉમેદવાર અશ્વિન રાઠોડ તરફથી આનો વિરોધ કરતા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જાન્યુઆરીમાં ચુડાસમા તરફથી જે સાક્ષીનું લીસ્ટ આપવામાં આવ્યું હતું. તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ સામેલ નહોતું તેથી સાક્ષીઓની યાદીમાં પાછળથી તેમનું નામ ઉમેરવામાં ના આવવું જોઈએ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ તરફથી જ્યારે તેમની જુબાની માટે વધુ આગ્રહપૂર્વક રજૂઆતો કરાતા તેમને હાઈકોર્ટે આ અંગે અરજી કરવા આદેશ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૧૮ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ૩૨૭ મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસે આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓબ્ઝર્વર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલાં લેવા પણ જણાવ્યું હતું. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જો કે, આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૪૨૯ જેટલા બેલેટ પેપરો કે જેમાં મોટાભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અરજી અંગે લેખિતમાં જવાબ રજૂ કરો

Recent Comments