અમદાવાદ, તા. ૨
સુરતના વરાછાના સરદાર સ્મૃતિ હોલમાં પોલીસ અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સેફ હોમ સેફ સ્ટ્રીટના નેજા હેઠળ શિક્ષકોની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ખાસ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, બાળકો સાથેના જાતીય સતામણીના કિસ્સાઓ વધી રહ્યાં છે. નજીકના સંબંધીઓ અને પાડોશીઓ દ્વારા નાની બાળકીઓ સાથે જાતિય સતામણી કરવામાં આવી રહી છે જે ચિંતાનો વિષય છે. સુરતના ડીઈઓ, પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ, મહિલા ડીસીપી ઝોન ૩ વિધિ ચૌધરી, એસેપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ૭૦૦થી વધુ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરની શાળાના શિક્ષકોને ગૂડ ટચ અને બેડ ટચની માહિતી અપાઈ હતી. જેથી તેઓ બાળકો સાથે કોઈ ખરાબ વર્તન કરે તો પોતાના વાલીઓ કે શિક્ષકોને જાણ કરે અને તેના થકી સમગ્ર કેસ પોલીસમાં પહોંચીને આરોપીઓને ગુના કરતાં અટકાવવા કડકમાં કડક સજા અપાવવામાં મદદરૂપ બની શકાય. ઘણા વખતથી વધુ પ્રમાણમાં દિકરી સાથે જાતીય સતામણીના કિસ્સાઓ સામે આવતા હોવાનો સ્વીકાર કરતાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, બાળકીઓ સાથેના જાતીય સતામણીના વધી રહેલા કિસ્સા ખરેખર સમાજ માટે ચિંતાનો વિષય છે.સામાજિક દુષણ સામાજિક સમસ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે સહુએ સાથે મળી ઉપાય કરવાની જરૂર છે. આ પ્રકારના કાર્યક્રમોથી જાગૃતિ આવતાં કિસ્સાઓ ઓછા થશે.