(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
ધોળકા વિધાનસભા ચૂંટણીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જુબાની આપવા માટે સમન્સ પાઠવી આદેશ કર્યો છે. કેસની વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ૧૮ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્રસિંહ ચડાસમાંને ૩૨૭ મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે.કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૪૨૯ જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.