(એજન્સી) રાયપુર, તા.૨૪
છત્તીસગઢમાં સરકારની રચના થયાના એક મહિના બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ એવું માને છે કે પીડીએસ કૌભાંડમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રમણસિંહ જેલભેગા થઇ શકે છે. બઘેલે એવો દાવો કર્યો કે પીડીએસ કૌભાંડમાં કોણ ‘સીએમ સર’ અને ‘સીએમ મેડમ’ સંડોવાયેલા છે ? તે જાણવાનો રાજ્યના લોકોને અધિકાર છે. બઘેલે છેલ્લા એક મહિનામાં પીડીએસ કૌભાંડ, ઝીરમ ઘાટી હુમલા, ડીપીઆર કૌભાંડ અને અન્યો જેવા કેસોમાં એક ડઝનથી વધુ તપાસ શરૂ કરી છે. વિવાદાસ્પદ આઇજી એસઆરપી કલ્લુરીની નિયુક્તિ વિશે બઘેલે જણાવ્યું કે કલ્લુરી રમણસિંહના ફેવરિટ હતા અને તેથી રમણસિંહ શંકાના દાયરામાં હોવાથી તેમણે કલ્લુરીને તપાસ સોંપવાનું નક્કી કર્યું છે. છત્તીસગઢમાં રાજકીય પરિવર્તન માટે વર્તમાન સરકાર કેવી રીતે કામ કરી રહી છે ? એવું પૂછવામાં આવતા બઘેલે જણાવ્યું કે અમારી સરકાર રાજ્યના લોકો અને રાજકીય વાતાવરણનું પ્રતિબિંબ છે. બઘેલને અવું પૂછાયું હતુંં કે શરૂઆતમાં જ કોંગ્રેસે કહ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો રમણસિંહને જેલભેગા કરાશે, પીડીએસ કૌભાંડમાં રમણસિંહ સામે શરૂ કરાયેલી તપાસમાં શું તમારી સરકારને કોઇ પુરાવા મળ્યા ? આ પ્રશ્નના જવાબમાં બઘેલે જણાવ્યું કે પીડીએસ કૌભાંડમાં અમે માત્ર તપાસ શરૂ કરી છે અને અત્યારથી જ તેઓ કંઇક ખોટું થઇ રહ્યું હોવાની બૂમો પાડવાનું શરૂ કરી દીધું છે. કેસ રી-ઓપન કરવાની અમે કોર્ટ પાસે માત્ર પરવાનગી માગી છે અને હવે રમણસિંહ ચિંતિત થઇ ગયા છે.
છેલ્લા ૧૫ વર્ષમાં ઘણી સંસ્થાઓમાં રાજકીય નિયુક્તિઓ કરાઇ છે. રાજ્યની કેટલીક મહત્વની શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં ઘણા આરએસએસના હોદ્દેદારોને નિયુક્ત કરાયા છે. આ રાજકીય નિયુક્તિઓ માટે તમારી શું પગલા યોજના છે ? એવું પૂછાતા બઘેલે જણાવ્યું કે આ મહત્વનો મુદ્દો છે અને અમે આ મુદ્દો ઉકેલીશું. રાજ્યમાં ભાજપના શાસનમાં ઘણી રાજકીય નિયુક્તિઓ કરવામાં આવી છે અને નિયુક્તિઓ અમારી સરકાર માટે ગંભીર ચિંતાની બાબત છે. આરએસએસની વિચારસરણીના તમે વિરોધી છો, તમારી સરકાર બન્યા બાદ તમે આરએસએસની નિયુક્તિઓ સામે કોઇ પગલા ભર્યા નથી ? એવું પૂછતા તેમણે કહ્યું કે હવે આરામથી કામ કરીશું… અમને ઉતાવળ નથી.