(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. સાવરકુંડલા રોડ પર નવનિર્મિત સરદાર વલ્લભ પટેલ માર્કેટિંગ યાર્ડનું ઉદ્‌ઘાટન કર્યું હતું જ્યારે અમર ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ ડેરી સાયન્સ કોલેજ અને હરિકૃષ્ણ તળાવનું લોકાર્પણ કર્યું હતું. રૂા.૧રપ કરોડના ખર્ચે તૈયાર થયેલ આધુનિક માર્કેટયાર્ડમાં ખેડૂતો, વેપારીઓને તમામ સુવિધાઓ મળી રહેશે. આ સાથે હની પ્લાન્ટનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને જનસભાને સંબોધતા અગાઉ અહીં કોઈ પ્રધાનમંત્રી આવ્યા હતા ખરા ? તેવો ટોણો તેમણે કોંગ્રેસને માર્યો હતો. વડાપ્રધાન મોદીએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે મૂલ્ય વૃદ્ધિ કરે તો ખેડૂતોને સારા પૈસા મળે. સરકારે ખેડૂતોને મૂલ્ય વૃદ્ધિના રસ્તે લઈ જવા માટે મોટાપાયે ફૂડપાર્ક બનાવવાની યોજના બનાવી છે અને તે માટે નવેમ્બરમાં વિશ્વભરમાંથી વિવિધ કંપનીઓને બોલાવી છે. પ્રત્યેક પશુદીઠ ઉત્પાદન વધારવા માટે પશુની સંખ્યા વધારવાને બદલે બે પશુ કેવી રીતે ડબલ દૂધ આપતા થાય તેના માટે પશુપાલનમાં ઉત્તમ ટ્રેનિંગ મળે તે દિશામાં પણ કામ થવું જોઈએ તેમ જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે ઈમારતી લાકડાનું ઉત્પાદન કરીએ, દરેક ખેડૂતો પોતાના ખેતરમાં છેવાડે લાકડાની વાવણી કરે આ લાકડાને વેચવા માટે આગામી સમયમાં સરકાર કાયદો બનાવશે. આપણી ખેતીનો પ્રકાર ટપક સિંચાઈ સાથે જોડીને કરીએ તો આગામી ૧૦૦ વર્ષ સુધી આપણી પેઢીઓનું ભલુ કરી શકીશું. એમ જણાવતા વડાપ્રધાને ખેડૂતોને આગ્રહ કરતા જણાવ્યું હતું કે મધમાખીનો ઉછેર ખેતરમાં કોઈપણ ખાસ મહેનત વગર સ્વાભાવિક રીતે કરી શકાય છે અને નાણાં પણ રડી શકાય છે. આમા માર્કેટીંગ ન કરાય તો પણ પોતાના બાળકો ખાશે તો મધ સેહત (તંદુરસ્તી) માટે ફાયદાકારક સાબિત થશે. આજે ગુજરાતમાં દૂધ ક્રાંતિની જેમ મધુક્રાંતિ કરીને નવા રીવોલ્યુશન તરફ જવાની તેમણે હાકલ કરી હતી. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે એક તો આજે અહી સ્વીટ રીવોલ્યુશનનો આરંભ થઈ રહ્યો છે અને બીજુ ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયા કિનારો જે બ્લ્યુ રિવોલ્યુશનને લીડ કરી શકે છે. આ બંને વસ્તુ ગુજરાતના ગ્રામીણ અને સમુદ્ર તટને નવો આયામ આ યોજનાઓથી થઈ શકે છે. વડાપ્રધાને કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે ભૂતકાળમાં સરકારે એવા નિયમો કર્યા હતા કે સૌરાષ્ટ્રમાં ક્યારેય ડેરી ઉદ્યોગો આવે જ નહીં આપણે નીતિગત ફેરફારો કર્યા જેના થકી હવે આખા પંથકમાં જે ખેડૂતો છે તેઓ દૂધ ઉત્પાદનમાં જોડાયેલા છે. આ બધાને દૂધ માટે યોગ્ય જગ્યા, માર્કેટ અને પૂરતા ભાવ મળ્યા.