નવી દિલ્હી, તા. ૧૧
ગુજરાત ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી અને તેમના પુરોગામી પીએમ મનમોહન સિહ વચ્ચે આકરા શબ્દોની આપ-લે શરૂ થઇ હોય તેમ આજે મનમોહને જણાવ્યું હતું કે, મોદીના પાકિસ્તાન વાળા નિવેદનથી તેમને ઘેરૂ દુઃખ અને ભારે ગુસ્સો આવ્યો છે કારણ કે, વડાપ્રધાન મોદીએ જુઠ્ઠાવાદની ખોટી પરંપરાનું ષડયંત્ર ચલાવ્યું છે. મનમોહને જણાવ્યું હતું કે, પોતાની બીમાર માનસિકતા દેખાડવા બદલ મોદી દેશની માફી માગે. તેમણે કહ્યંુ કે, મને આશા છે કે, વડાપ્રધાન તેમના પદની ગરિમા જાળવતા અને પરિપકવતા દેખાડતા દેશની માફી માગશે. મનમોહનસિંહે પીએમના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસે કોઇપણ પાર્ટી અથવા પ્રધાનમંત્રી પાસેથી શીખ લેવાની જરૂર નથી. મનમોહને મોદી પર આરોપ લગાવતા જણાવ્યું કે, ગુજરાત ચૂંટણીઓમાં પરાજયના ડરે મોદી આ પ્રકારના પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે ચૂંટણીમાં હારના ભયે તેઓ આ પ્રકારના ષડયંત્રભરી ચાલો અપનાવી રહ્યા છે.મનમોહને કહ્યું કે, હું યાદ અપાવવા માગું છું કે, ગુરદાસપુરના આતંકવાદી હુમલા બાદ બોલાવ્યા વિના મોદી પાકિસ્તાન જતા રહ્યા હતા તો શું તેમણે આ કૃત્ય બદલ દેશની માફી માગવી જોઇએ ? તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન મોદી રાજકીય લાભ ખાતર વડાપ્રધાનની ગરિમા છોડીને જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાને પાકિસ્તાની અધિકારીઓ સાથેની બેઠકમાં ગુજરાતની ચૂંટણીઓ અંગે કોઇ વાત થયાનો ઇન્કાર કર્યો હતો. વડાપ્રધાન મનમોહનસિંહે એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીયતા શીખવાડવાની જરૂર નથી. તેમણે મોદીના પાકિસ્તાન પ્રવાસની યાદ અપાવતા કહ્યું કે, હું પીએમને પોતે યાદ અપાવું છું કે, ઉધમપુર અને ગુરદાસપુરમાં આતંકવાદી હુમલા થયા બાદ પાકિસ્તાનના આમંત્રણ વિના તેઓ પાકિસ્તાન શા માટે ગયા હતા તે તેમણે દેશને જણાવવું જોઇએ. મોદીએ દેશને એ પણ જણાવવું જોઇએ કે, આતંકવાદી હુમલાની તપાસ માટે પાકિસ્તાનની કુખ્યાત એજન્સી આઇએસઆઇને પઠાણકોટ એરબેઝમાં કેમ બોલાવાઇ હતી ? તેમણે કહ્યું કે, પાંચ દશકના તેમના જાહેર જીવનનો ટ્રેક રેકોર્ડ બધા જાણે છે અને મોદી સહિત કોઇપણ તેમની સામે સવાલો ઊભા કરી શકે નહી. ઉલ્લેખનીય છે કે, મણિશંકર ઐયરના ઘરે થયેલી બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને પૂર્વ સેના અધ્યક્ષ દીપક કપૂર બુધવારે હાજર હતા આ ઉપરાંત પાકિસ્તાનના રાજદૂત, પાક.ના પૂર્વ મંત્રી, પાક.ના પૂર્વ સેના અધિકારી, ભારતના પૂર્વ રાજદૂતો અને પત્રકારો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રવિરવારે પાલનપુરની એક સભામાં કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ પાકિસ્તાન સાથે મળીને ચંૂંટણી જીતવા માગે છે અને આ માટે મણિશંકર ઐયરના ઘરે કોંગ્રેસના નેતાઓએ પાકિસ્તાનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ગુજરાત ચૂંટણીઓમાં પાક.ની દખલ અંગેનીટિપ્પણી મતોના
ધ્રુવીકરણનો પ્રયાસ : પીએમએ માફી માંગવી જ જોઈએ : કોંગ્રેસ
વડાપ્રધાન મોદીના આક્ષેપોનો જવાબ આપતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ સોમવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન કહે છે કે, કોંગ્રેસ પાકિસ્તાન સાથે મળીને ગુજરાતની ચૂંટણીઓમાં ષડયંત્ર કરી રહ્યું છે. આ બીજા તબક્કા પહેલાંની ચૂંટણીઓમાં ધ્રુવિકરણનો પ્રયાસ છે. આ બાબત તેમની હતાશા દર્શાવે છે કે, ગુજરાતમાં ભાજપની હાર નક્કી છે. આનંદ શર્માએ કહ્યું કે, પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અહીં એક લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા જેમાં પૂર્વ રાજદૂત, પૂર્વ આર્મી ચીફ સહિત ઘણા ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. શું પીએમ એવું વિચારી રહ્યા છે કે, આ તમામ લોકો પાકિસ્તાન સાથે મળીને ષડયંત્ર રચી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ મુદ્દે માફી માગવી જોઇએ.