(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેકાર યુવાનોને પકોડા વેચવાની સલાહ આપ્યા બાદ ગુજરાતની ભાજપ સરકારે વડાપ્રધાનના પેગડામાં પગ નાખતા હોય તેમ પ્રવેશોત્સવની સાથે બાળકોને જીવન કૌશલ્યના નામે ટાયર પંકચર બનાવતા શીખવાડવાનો વિચિત્ર પરિપત્ર બહાર પાડતા કોંગ્રેસે સરકારના આ નિર્ણયની મજાક ઉડાડતા જણાવ્યું છે કે રાજ્ય સરકારનો પરિપત્ર રૂપાણી સરકારનું માનસિક પંકચર થયું હોવાનો પુરાવો છે. સરકારે માનસિક દેવાળુ ફુંક્યુ હોય તેમ લાગે છે. ૧૯૮૬માં રાજીવ ગાંધી દ્વારા અમલમાં લવાયેલ નવી શિક્ષણ નીતિના ભાગ રૂપે ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણની ઘોર ખોદી નાખનાર ભાજપ સરકાર હવે બાળકોને એન્જિનિયર, ડૉકટર કે વૈજ્ઞાનિક બનવાના સ્વપ્નો બતાવવવાને બદલે ટાયર પંકચર કરતા શીખવાડી કઈ દિશામાં લઈ જઈ રહ્યાં છે તે સમજાતુ નથી. એક સમય હતો જ્યારે બાળકને સફેદ એપ્રોન પહેરાવી ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવી ડૉકટર હોવાનો અહેસાસ કરાવાતો જેથી તે બાળકનું માનસ તબીબ બનવાની દિશામાં વિચારતું થાય, એન્જિનિયરિંગની લોખંડી પીળી ટોપી પહેરેલુ બાળક તેનો ધ્યેય ઊચો રાખે અને હાથમાં ટેસ્ટટ્યુબ લઈને વૈજ્ઞાનિક હોય એવો મનસૂબો સેવે એ ઉદ્દેશ ધરાવતી શિક્ષણ પદ્ધતિ ભાજપે ધરાતલે પહોંચાડી દીધી છે. કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહે જણાવ્યું છે કે ગુજરાતની શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ દ્વારા પ્લમ્બર, ફીટર, ટર્નર, ઈલેકટ્રીશીયન, સુથારીકામ, લુહારીકામ, કડિયાકામ જેવા ખરેખર ઉદ્યમી વ્યવસાયનો અભ્યાસ કરાવાતો, કેમિકલ ટેકનોલોજી શીખવી સાબુ, વોશિંગ પાવડર જેવા ગૃહવપરાશના વ્યવસાયનું શિક્ષણ અપાતું. જેથી અભ્યાસમાં સામાન્ય હોય તેવો વિદ્યાર્થી પણ તેની આજીવિકા રળી શકે. ટેકનિકલ શિક્ષણના ગ્રેસ પાંચ માર્ક અપાતા જે એન્જિનિયરિંગના એડમીશનમાં ઉપયોગી નીવડે અને તે પાછળનો ઉદ્દેશ પણ એજ કે વધુમાં વધુ બાળકો વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ વળે. જે સરકાર શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની તમામ પ્રવૃત્તિ કરાવતી હોય તે રાજ્યના વિદ્યાર્થીઓ ટાયરના પંકચર બનાવવા પડે એવુ ખુદ ભાજપે સ્વીકારી લીધું હોય તેમ આ પરિપત્ર બહાર પાડ્યો છે. શિક્ષણનું વ્યાપારીકરણ કરી જે રીતે એન્જિનિયરિંગ એમબીએ અને ફાર્મસી કોલેજોના નામે હાટડીઓ ખોલી હતી તેની પણ અવદશા કરી છે. જે ઝડપે કોલેજો ખુલી તે જ ઝડપે બંધ થઈ રહી છે. એન્જિનિયર અને એમફાર્મ કે એમબીએ થયેલા યુવાનો પાંચ સાત હજારની નોકરીઓ કરવા મજબૂર છે. હવે મેડિકલ કોલેજોના નામે વેપલો શરૂ થયો છે. ભુવા ભારાડીઓની ચિંતા કરતી ધુણતી સરકારમાં બેઠેલા મંત્રીઓના મગજના પંકચર કરવાની જરૂર છે જો એ નહીં થાય તો ગુજરાતનું ભાવિ પંકચર થઈ જશે તે નિશ્ચિત છે.