(એજન્સી) તા.૬
ફૂટબોલર બાઇચુંગ ભુટિયા રાજનીતિમાં નવા નથી. તેમણે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓ લડી હતી અને ૨૦૧૬માં પ.બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી. ફૂટબોલના પૂર્વ કેપ્ટન બંને વખતે તક ચૂકી ગયા હતા. હવે ફૂટબોલર બાઇચુંગ ભુટિયા પોતાના વતન રાજ્ય સિક્કીમમાં એક રાજકીય પક્ષ ઊભો કરીને ફરીથી રાજનીતિમાં ઝંપલાવવા તૈયારી કરી રહ્યા છે.
મોટા ભાગે સામાન્ય ચૂંટણી સાથે યોજાનારી સિક્કીમની ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. ગઇ સાલથી અનેક રાજકીય પક્ષોની રચના થઇ રહી છે. બાઇચુંગનો રાજકીય પક્ષ હમરો સિક્કીમ પાર્ટી કઇ રીતે અલગ છે. તેમણે એક મુલાકાતમાં આ અંગે વિસ્તૃત વાતો કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે સિક્કીમમાં કેમ સક્રિય થઇ રહ્યા છો ? ત્યારે તેમણેે જણાવ્યું હતું કે સિક્કીમમાં મારો જન્મ થયો છે અને ત્યાં જ મારો ઉછેર થયો હતો. આથી મેં નક્કી કર્યુ કે જો મારે ખરેખર રાજનીતિમાં જવું હોય તો પાયાના સ્તરથી શરૂઆત કરવી જોઇએ.
પોતાના પક્ષ અંગે વાત કરતા જણાવ્યું હતું કે હમરો સિક્કીમ પાર્ટી દેશના કોઇ પણ રાજકીય પક્ષથી એક અલગ પ્રકારનો પક્ષ છે. અમારા પક્ષના બંધારણમાં સ્પષ્ટ છે કે કોઇ પણ ધારાસભ્ય કે પદાધિકારી સતત બે મુદ્દતથી વધુ કોઇપણ પદ ધરાવી શકે નહીં. સિક્કીમની પવન ચામલિંગ ગવર્નર અંગે વાત કરતા ભુટિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી આ સરકાર અડિંગો જમાવીને બેઠી છે હવે તેના કૌભાંડો પણ બહાર આવવા લાગ્યા છે. તાજેતરમાં કેગ દ્વારા કરોડો રૂપિયાનું વીજ સેક્ટરનું કૌભાંડ બહાર આવ્યું છે. સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સિક્કીમની મુલાકાત લીધી ત્યારે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રએ સિક્કમને છ હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ માટે રૂા.૧૪૦૦૦ કરોડ આપ્યા હતા તેમજ પાવર ટ્રાન્સમિશન સુધારવા માટે બીજા ૧૫૦૦ કરોડ આપ્યા હતા. ત્યારબાદ અમે આ અંગેના ખર્ચની વિગતો માગી હતી પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે હજુ ચાર દિવસ પહેલા જ ગેંગટોકમાં વીજવિભાગના પાંચમા માળે આગ લાગી હતી કે જેમાં ૯૯ ટકા રેકોર્ડ સળગી ગયો છે.
સિક્કીમના ભાજપના પ્રવેશ અંગે વાત કરતા બાઇચુંગ ભુટિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં અમે ગેંગટોકમાં રાજ્યના વડાને મળ્યા હતા. અમે તેમને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો ભાજપ પવન ચામલિંગ અને તેમના પક્ષ એસડીએફ સાથે છેડો નહીં ફાડે તો અમારા સહિત અન્ય કોઇ પ્રાદેશિક પક્ષ માટે ભાજપ સાથે જવાની ભાગ્યે જ કોઇ તક છે. જો ભાજપવાળા અમારી સાથે જોડાણ કરવા માગતા હોય તો તેમણેે સીએમ પવન ચામલિંગથી દૂર રહેવું પડશે. રાજનીતિમાં મારો અગાઉનો કાર્યકાળ એક બાહરી વ્યક્તિ તરીકેનો હતો પરંતુ હવે હું પાયાના સ્તરની રાજનીતિને પ્રતિબદ્ધ છું એવું ભુટિયાએ જણાવ્યું હતું.