(એજન્સી) તા.૨૧
સંસદના શિયાળુ સત્રમાં બન્ને ગૃહોમાં વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આજે શૂન્યકાળમાં ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ચૂંટણી બોન્ડ જાહેર કરવાથી સરકાર ભ્રષ્ટાચારને સ્વીકૃતિ આપી રહી છે. રાજ્યસભામાં પણ ચૂંટણી બોન્ડના મુદ્દે કોંગ્રેસના સાંસદો તેમજ અન્ય વિપક્ષે હંગામો કર્યો હતો. ચૂંટણી બોન્ડનો મુદ્દો ઉઠાવવાની સાથે જ કોંગ્રેસે ઉપલા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું જેને પગલે રાજ્યસભાની કાર્યવાહી મધ્યાંતર સુધી સ્થગિત કરવામાં આવી હતી.
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ઈલેક્ટોરલ બોન્ડને રાજકારણમાં મૂડીવાદીઓની દખલ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને ચૂંટણી પંચેના વિરોધ બાદ પણ ચૂંટણી બોન્ડ જાહેર કરીને તેને સરકારી ભ્રષ્ટાચારને નવા વાઘા પહેરાવાયા છે. ૨૦૧૪ પહેલા દેશમાં એક મૂળભૂત માળખું હતું. તે માળખા મુજબ જે ધનવાનો છે જે અમીર લોકો છે, તેમનો ભારતના રાજકારણમાં નાણાં અંગે હસ્તક્ષેપ પર એક નિયંત્રણ હતું. તિવારીએ ચૂંટણી બોન્ડ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ૧ ફેબ્રુઆરી ૨૦૧૭ના વર્તમાન સરકારે અજ્ઞાત ઈલેક્ટોરલ બોન્ડની જોગવાઈ કરી. આ જોગવાઈ બાદ હવે કોણે દાન આપ્યું છે તેની જાણ થઈ શકતી નથી અને કેટલા નાણાં દાનમાં આપ્યા તેમજ કઈ પાર્ટીને આપ્યા, કોને આપ્યા તેની વિગતોની જાણ થઈ શકતી નથી. સરકારી ભ્રષ્ટાચારને આ સરકારે નવા વસ્ત્રો પહેરાવવાનું કામ કર્યું છે. સરકાર રાજકીય પક્ષોને રોકડમાં મળતા દાનના વિકલ્પના રૂપે ચૂંટણી બોન્ડનો વિકલ્પ લાવી હતી. ૨૦૧૭-૧૮ના બજેટ દરમિયાન ચૂંટણી બોન્ડ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. આ ચલણી નોટની જેમ હોય છે અને બોન્ડ ઉપર તેની કિંમત લખવામાં આવે છે. ચૂંટણી બોન્ડ ૧,૦૦૦, ૧૦,૦૦૦ તેમજ એક લાખ અને એક કરોડ રૂપિયાના ગુણાંકમાં ખરીદવામાં આવે છે. ભારતીય સ્ટેટ બેન્કની ૨૯ શાખાઓને ચૂંટણી બોન્ડ ઈશ્યૂ કરવા અને તેની ચૂકવણી કરવા માટે અધિકૃત કરાઈ છે. આ બ્રાન્ચો દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, ગાંધીનગર, ચંદીગઢ, રાંચી અને બેંગલુરુમાં છે.