(એજન્સી) તા. ૩
અભિનેતા કમલ હાસનની મેજબાનીમાં આયોજિત બિગ બોસનું તમિલ સંસ્કરણ ફરી વિવાદોમાં છે. બિગ બોસ તમિલમાં જયલલિતાને સરમુખત્યાર બતાવી કમલ હાસન ફસાઈ ગયા છે. તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. એક વકીલે પોલીસમાં ફરિયાદ કરી શો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતાં આરોપ મૂક્યો છે કે તેમાં દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની છબિ સરમુખત્યાર તરીકે બતાવી તેમને બદનામ કરાઈ રહ્યાં છે. વકીલ લૌઈજલ રમેશે પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક કમલ હાસન પોતાના કાર્યક્રમનો ઉપયોગ પોતાના રાજકીય હિત માટે કરી રહ્યાં છે અને આરોપ મૂક્યો કે તે પોતાના શોમાં જયા વિશે એવું કહે છે કે જેનાથી તેમને નીચા બતાવી શકાય. તેમણે કહ્યું કે હાસન અને આ કાર્યક્રમનું નિર્માણ કરતી સંસ્થા મુખ્યમંત્રીને સરમુખત્યાર બતાવે છે અને તેમની મનશા તેમના પ્રતિ લોકોમાં અસન્માન પેદા કરવાની છે. રમેશે આરોપ મૂક્યો કે ડિક્ટેટર શીર્ષક હેઠળ શોના સ્પર્ધકોને અપાયેલા એક ખાસ કામની મદદથી એક સ્પર્ધકને લોકો માટે મુશ્કેલી ઊભો કરતો બતાવાયો છે. બિગ બોસના તમિલના એક એપિસોડમાં કન્ટેસ્ટન્ટ એશ્વર્યા દત્તાને નિયમ બનાવવાની શક્તિ આપી હતી. નિયમનું પાલન ન થવા પર નારાજ થઇને દત્તાએ પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને સાથી કન્ટેસ્ટન્ટ પર કચરો ફેંક્યો હતો. તેના બાદ સોશિયલ મીડિયામાં દર્શકોએ દત્તાના વ્યવહારની આકરી ટીકા કરી હતી.