(એજન્સી) પટના, તા.ર૮
બિહારના મુઝફ્ફરપુરમાં આવેલ છોકરીઓ માટેના સરકારી આશ્રય ગૃહમાં રહેતી છોકરીઓ પર બળાત્કારની ઘટના બની હતી જેમાં વધુ પાંચ છોકરીઓ પર બળાત્કાર થયો હોવાનું મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે. આશ્રય ગૃહમાં ૪ર છોકરીઓ રહેતી હતી જેમાંની ર૯ જેટલી છોકરીઓના મેડિકલ ટેસ્ટ થયા હતા જેમાં તેમના પર બળાત્કાર થયો હોવાનું મેડિકલ રિપોર્ટમાં જણાવાયું છે. આશ્રય કેન્દ્રને આ વર્ષે જૂનમાં બંધ કરી દેવાયું હતું. ઓડિટ રિપોર્ટમાં રેપની ઘટના સામે આવતાં ફરિયાદ નોંધાવાઈ હતી. નવા રિપોર્ટ મુજબ ૩૪ છોકરીઓ બળાત્કારનો ભોગ બની છે. આ કેસના સંદર્ભમાં ૧૧માંથી ૧૦ આરોપીઓને પકડી લેવાયા છે. એનજીઓ દ્વારા ચલાવાતા આશ્રય કેન્દ્રએ બ્લેકલિસ્ટમાં મૂકાયા છે. બધી જ છોકરીઓને બીજા જિલ્લાના આશ્રય કેન્દ્રોમાં મોકલી અપાયા છે. રાજ્ય મહિલા આયોગના સભ્યોએ પીડિતાઓની મુલાકાત લીધી હતી. છોકરીઓને રેપ પહેલાં ડ્રગ આપવામાં આવતું હતું. જો તે વિરોધ કરે તો તેમને ભૂખી રાખી મારઝૂડ કરાતી હતી. આશ્રય કેન્દ્રોમાં ખોરાક અને કપડા આપવાનો ઈન્કાર કરાતો હતો. તેમને જૂતા વડે માર મારવામાં આવતો હતો તેમ રાજ્ય મહિલા આયોગના ચેરમેન દિલમણી મિશ્રાએ જણાવ્યું હતું. કેટલીક છોકરીઓને વિરોધ કરવા બદલ મારીને દાટી દેવાતી હતી. પોલીસે કબ્રસ્તાનમાં ખોદકામ કરી શોધખોળ આદરી છે. મુખ્યમંત્રીએ ઘટનાની સીબીઆઈ તપાસ આપી છે. ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે, પટના હાઈકોર્ટને કેસનું મોનિટરીંગ કરવા કહેવાયું છે. વિપક્ષોએ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માંગ સાથે ત્રણ દિવસ સુધી ગૃહમાં હંગામો કર્યો હતો. તેમજ સમાજ કલ્યાણ મંત્રી મંજુ વર્માને હાંકી કાઢવા માગણી કરી હતી.