(એજન્સી) પટના,તા.૭
બિહારના પાટનગર પટનામાં લઘુ સિંચાઈ વિભાગના સેવાનિવૃત્ત કમિશ્નર ૯૦ વર્ષીય હરેન્દ્રપ્રસાદ સિંહ અને તેમના ૭૦ વર્ષીય પત્ની સપનાદાસ ગુપ્તાની માર મારીને હત્યા કરવામાં આવી છે. પટનાના બુદ્ધા કોલોની પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા દુજરા ચક નજીક મુર્ગી ફાર્મ ગલીના મકાનમાં ગુરૂવારે રાત્રે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપત્તિની લાશો મકાનની અંદર ઓરડામાં જમીન પર પડેલી હતી. બંનેના શરીર પર ઠેકઠેકાણે ઈજાના નિશાન જોવા મળ્યા છે. ગળાની નજીક પણ ઈજાના નિશાન મળ્યા છે. ડબલ મર્ડરના અહેવાલ મળ્યા બાદ મોડી રાત્રે એસએસપી મનુ મહારાજ પોલીસ ટુકડી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એસએસપી દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંનેની હત્યા કરવામાં આવી છે અને કોઈ નિકટવર્તીનો આમા હાથ છે. વૃદ્ધ દંપત્તિને ત્યાં કામ કરનારી નોકરાણી ગુલશન આરાએ જણાવ્યુ કે બપોરે સપના દાસે તેને તીજનો સામાન ખરીદવા માટે નાણાં આપ્યા હતા. સામાન લઈને તે સાંજે પાછી ફરી હતી.
નોકરાનીએ દરરોજની જેમ રાત્રે નવ વાગ્યેની આસપાસ માલિક-માલકિનના ઓરડામાં ગઈ હતી. ત્યારે સન્નાટો છવાયેલો હતો. ભાડૂઆતોને આની જાણકારી આપી અને ભાડૂઆતો સાથે નોકરાણી ઓરડામાં ગઈ ત્યારે વૃદ્ધ દંપત્તિની લાશો જમીન પર પડેલી મળી હતી. ભાડૂઆત દ્વારા ઘટનાની જાણકારી સ્થાનિક બુદ્ધા કોલોની પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. દંપત્તિને બોરિંગ કેનાલ રોડ નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે નોકરાણી ગુલશન આરા, તેના પતિ અને મકાનના કેરટેકર શોએબ, ડ્રાઈવર બહાદૂર અને દાયી ગીતાદેવીની અટકાયત કરી છે.