(એજન્સી) છપરા (બિહાર), તા.૧૯
બિહારના છપરા જિલ્લામાં મોબ લિંચિંગનો મામલો બહાર આવ્યો છે. છપરા જિલ્લાના બનિયાપુર વિસ્તારમાં હિંસક ટોળાએ શુક્રવારે સવારે ૩ લોકોને પશુ ચોરીની શંકામાં ઢોર માર મારીને મારી નાખ્યા છે. ટોળાને એવી શંકા હતી કે ત્રણ યુવકો પશુ ચોરી કરવા માટે આવ્યા હતા. ત્યાર પછી ટોળાએ તેમને પકડી લીધા અને નિર્દયી રીતે માર મારવાનું શરૂ કર્યું. આ મામલાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ ત્રણે યુવકોને હિંસક ટોળાએ ઢોર માર મારીને મારી નાખ્યા હતા. માર્યા ગયેલા ત્રણે યુવકના શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના સર્જાયા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે અને તનાવપૂર્ણ સ્થિતિ છે. માર્યા ગયેલા યુવકોના પરિવારવાળાઓના રડી-રડીના ખરાબ હાલ થઇ ગયા છે. ત્રણે મૃતકોને રાજ નટ, દિનેશ કુમાર અને નૌશાદ કુરૈશી તરીકે ઓળખી પાડવામાં આવ્યા છે. ત્રણે યુવકો નજીકના ગામ પૈગમ્બરપુર અન કન્હૌલીના વતની છે. મોબ લિંચિંગની આ ઘટનાના સંદર્ભમાં ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓને ઓળખી પાડી તેમની ધરપકડ કરવા માટે પોલીસ દરોડા પાડી રહી છે. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. મોબ લિંચિંગમાં ભોગ બનેલા ત્રણે યુવકોના ગામ ઘટના સ્થળેથી લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા છે.
્‌પ્રાપ્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ચોરી ઘટનાઓ સતત સર્જાઇ રહી છે. આવી પરિસ્થિતિમાં ગામવાળાઓ ચોરોને પકડવાની ફિરાકમાં હતા. ગ્રામજનોએ શુક્રવારે ત્રણ યુવકોને ચોરી શંકાએ પકડી લીધા અને ઢોર માર મારીને મારીનાખ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે ગામવાળાઓએ ચોરીની શંકામાં પકડેલા ત્રણે યુવકોમાંથી કોઇની પણ પૂછપરછ કરી ન હતી અને પકડીને સીધા જ મારવાનું જ શરૂ કરી દીધું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે બનિયાપુર વિસ્તારમાં આવેલા નંદલાલ ટોલામાં ગુરૂવારે રાત્રે પિકઅપવાનમાં પશુ ચોરી કરવા આવનારાઓની માહિતી મળી હતી. આ માહિતીને પગલે ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને તેઓ ત્રણે ચોરોને પકડી લીધા હતા. આ ત્રણેમાંથી એક અનુસૂચિત જાતિ સાથે સંબંધ ધરાવતો હતો જ્યારે અન્ય બે યુવકો નટ સમુદાયના હતા. એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે તેમનો ચોથો સાથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગ્રામીણોએ પિકઅપવાન કબજે કરીને પોલીસને સોંપી દીધું છે.
નોંધનીય છે કે પશુ ચોરીની શંકામાં માર મારવાનો અન્ય એક મામલો મધ્યપ્રદેશમાં પણ બહાર આવ્યો હતો. ૧૮મી જુલાઇએ મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં ટોળાએ બકરા ચોરી કરવાના આરોપમાં ૩ યુવકોને ભારે માર માર્યો હતો. સાથે જ તેમની બાઇકને આગ ચાંપી દીધી હતી.