દાહોદ, તા. ૩
પોતાના પિતા સાથે રાજકોટ આવવા પોતાની મોટી બહેનને મળવા બનારસ ઓખા ટ્રેનમાં બેસીને આવતી બિહારની એક છોકરીને મહિલા કોચમાં બે મહિલા ચોરોએ મારમારી તેની પાસેથી રોકડ તેમજ મોબાઇલ લુંટી લઇ રસ્તામાં લીમખેડા તાલુકાના દાભડા ગામે રાતના અંધારામાં ફેકી દેતા તે છોકરીની મદદ માટે પહોચેલ ૧૮૧ અભયમ દ્વારા છોકરીને દાહોદ પી.એમ.ડી ઓ સંચાલિત નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપતા નારીકેન્દ્ર દ્વારા ઉંડી પુછપરછ કરી વાલી વારસાનું નામ-સરનામુ મેળવી સંપર્ક કરી છોકરીને પુનઃતેના માવતર સાથે મેળાપ કરાવતા છોકરીના માવતરે નારી સંરક્ષણગૃહના સ્ટાફનો આભાર માન્યો હતો.
બિહારના કૈમુર જિલ્લાના આત્મજ ગામના રહેવાસી જુલુરામ ની મોટી દીકરી રાજકોટ ખાતે રહેતી હોઇ જુલુરામ પોતાની મોટી દિકરીને મળવા રાજકોટ આવવા માટે પોતાની દીકરી સુષ્ણાકુમારી સાથે બનારસ-ઓખા ટ્રેનમાં બેઠા હતા.
ગાંડીમાં ભીડ હોઇ અને લાંબી મુસાફરી હોઇ લેડીઝ કોચમાં થોડી જગ્યા હોઇ અને સુષ્માકુમારી લેડીઝકોચમાં જગ્યા મેળવી બેસી ગઇ હતી.રાતનો સમય હતો.ટ્રેન દાહોદ સ્ટેશન પસાર કરી વડોદરા તરફ આગળ વધી રહી હતી.તે દરમ્યાન રસ્તામાં લેડીઝ કોચમાં બે ચોર મહિલાઓએ સુષ્માકુમારી એકલી હોવાનું જાણી લઇ મારમારી તેની પાસેના રૂપિયા ૧૫૦૦ ની રોકડ તથા મોબાઇલ ફોન લુંટી લીધા હતા.અને લીમખેડા તાલુકાના દાભડા ગામે રાત્રીના અંધારામાં ટ્રેનમાંથી ઉચકી બહાર ફેકી દેતાં સુષ્માકુમારીને ઇજાઓ થવા પામી હતી.દાભડા ગામના કોઇ ઇસમોએ ઘટના અંગેની ૧૮૧ મહિલા હેલ્પ લાઇનને જાણ કરી બોલાવતા મહિલા હેલ્પલાઇનની બહેનો તાબડતોડ દાભડા ગામે દોડી આવી હતી.અને સુષ્માકુમારીનો કબજા લઇ તેણીને દાહોદ પી.એમ.ડી.ઓ સંચાલિત નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.
જ્યાં છોકરી સુષ્માકુમારીનું કાઉન્સીલીંગ કરી તેના માવતર તથા પરિવારજનોના નામ-સરનામા મેળવી તેઓનો ટેલીફોનીક સંપર્ક કરી સુષ્માકુમારી અંગેની હકિકતથી વાકેફ કરતાં તેના પરિવારજનો દાહોદ નારીસંરક્ષણ ગૃહ ખાતે દોડી આવ્યા હતા.જ્યાં તેઓની ઓળખના તમામ પુરાવા ચકાસી સુષ્માકુમારીને પરત તેના પિતાને સોપવામાં આવતા બંને બાપ-દિકરી તથા ઉપસ્થિત પરિવારજનોની આંખો હર્ષાશ્રુથી છલકાઇ હતી.અને નારી સંરક્ષણ ગૃહની બહેનોનો આભાર માન્યો હતો.