નવી દિલ્હી,તા. ૨૨
બિહારમાં પુરના કારણે મોતનો આંકડો વધીને હવે ૩૦૪ ઉપર પહોંચી ગયો છે. વધુ ૫૧ લોકોના મોત થઇ ચુક્યા છે. રવિવાર સુધી મોતનો આંકડો ૨૫૩ હતો જે હવે ૩૦૦ના આંકડાને પાર કરી ગયો છે. બિહારમાં ૧.૩૮ કરોડ લોકોને માઠી અસર થઇ છે. આસા અને ઉત્તરપ્રદેશમાં વદુ ત્રણ ત્રણ લોકોના મોત થયા છે. બિહારમાં ૭.૩૪ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ૩.૨૭ લાખ લોકોને ૧૩૩૬ રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ આસામમાં પણ સ્થિતી વિકટ બનેલી છે. આસામમાં પુરના બીજા મોજામાં મોતનો આંકડો વધીને ૬૬ ઉપર પહોંચી ગયો છે. પુરના પ્રથમ મોજામાં મોતનો આંકડો ૮૫ નોંધાયો હતો. હવે પુરના બે મોજામાં આસામમાં મોતનો આંકડો વધીને ૧૫૫ ઉપર પહોંચી ગયો છે. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ બિહારના ૧૬ જિલ્લામાં એક કરોડથી વધુ લોકોને માઠી અસર થઇ છે. પુરના તાંડવ બાદ મોટા ભાગની પરીક્ષા રદ કરવામા ંઆવી ચુકી છે. સાથે સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. રોગચાળાને રોકવા માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે.